હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે સદગત સન્માન સેવા યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા અને જિલ્લા પ્રમુખ શ્રીમતી પારૂબહેન પઢારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 55 લાભાર્થીઓને મંજૂરીપત્રો વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી દીઠ એક લાખ રૂપિયા લેખે રૂ. 55 લાખના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સહાય વિતરણ કાર્યક્રમમાં મહેસુલ શાખાની સ્વભંડોળ સહાય હેઠળ રૂ. 9 લાખ, ખેતીવાડી શાખાની ખેડૂત અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં રુ. 26 લાખના મંજૂરીપત્રો અપાયા હતા. આ ઉપરાંત સમાજ કલ્યાણ શાખની સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના( અંત્યેષ્ઠી સહાય) હેઠળ 10 લાભાર્થીઓને રૂ. 5 હજાર લેખે 50 હજારના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાભાર્થીઓને મરણોત્તર સહાય યોજનાનો લાભ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી યોજનાના અસરકારક અમલીકરણ માટે સતત મોનીટરીંગ કરે છે.

મહત્વની બાબત એ પણ છે કે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાએ યોજનાના અસરકારક અમલીકરણ માટે સંલગ્ન અધિકારી અને કર્મચારીઓને ઓગસ્ટ, 2021માં વિશેષ તાલીમ પણ આપી હતી. મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકારે વિવિધ વિભાગની મરણોત્તર સહાય યોજનાઓનો થકી મૃતકના પરિવારજનોને સમયસર આર્થિક સહાય મળે અને તેમનું પરિવાર આર્થિક રીતે આત્મનિર્ભર થઈ શકે તે દિશામાં ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા છે. મરણોત્તર સહાય વિતરણના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યઓ, અધિકારીગણ/કર્મચારીગણ અને લાભાર્થીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
