ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમનો કાર્યક્રમ મોકૂફ રખાયો : જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

આગામી તા.૨૮ માર્ચના રોજ ફાગણી પૂનમ નિમિતે ડાકોર રણછોડરાય મંદિરે દર્શનાર્થીઓ માટે વ્‍યવસ્‍થા અંગે જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલની અધ્‍યક્ષતામાં જિલ્‍લા વહીવટી તંત્રના ઉચ્‍ચ અધિકારીઓ તેમજ ડાકોર ટેમ્‍પલ કમિટીના પદાધિકારીઓ સાથે ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઇ હતી.
જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે આજે પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે, હાલની કોરોનાની સાંપ્રત પરિસ્‍થિતિને ધ્‍યાને રાખીને ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમનો કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે. તેઓએ જણાવ્‍યું હતું કે, છેલ્‍લા થોડા દિવસોથી કોરોના બિમારીની તિવ્રતા સતત વધી હોય તેમજ ફાગણી પૂનમ નિમિતે ડાકોર ખાતે ખેડા જિલ્‍લા ઉપરાંત આજુબાજુના જિલ્‍લામાંથી લાખોની સંખ્‍યામાં દર્શનાર્થીઓ પધારતા હોય છે ત્‍યારે કેન્‍દ્ર અને રાજય સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવું દર્શનાર્થી અને પદયાત્રીઓ માટે મુશ્‍કેલ થઇ શકે તેમ હોઇ, ફાગણી પૂનમનો મેળો ચાલુ વર્ષે બંધ રાખવાનો ડાકોર ટેમ્‍પલ કમિટી તેમજ જિલ્‍લા વહીવટી તંત્રએ નિર્ણય કરેલ છે.

તેઓએ ઉમેર્યું હતું કે, ગત વર્ષે ફાગણી પૂનમના મેળામાં દસ લાખ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્‍યું હતું કે, આગામી તા.૨૭,૨૮,અને ૨૯ માર્ચ-૨૦૨૧ ના રોજ ડાકોર મંદિર દર્શનાર્થીઓ અને પદયાત્રીઓ માટે બંધ રહેનાર છે. ફાગણી પૂનમનો મેળો મોકૂફ રાખવામાં આવેલ છે. જેની નોંધ લેવા શ્રધ્‍ધાળુઓને વિનંતી કરેલ છે. આ ત્રણ (૩) દિવસ દરમ્‍યાન ડાકોર ટેમ્‍પલ કમિટીના સેવકો દ્ધારા રાજા રણછોડરાયજીની નિયમિત પૂજાવિધિ કરવામાં આવનાર છે. તેમ તેઓએ ઉમેર્યું હતું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment