નર્મદા ભાજપમાં ભડકો, મહિલા મોરચાના મહામંત્રીએ પાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી

હિન્દ ન્યૂઝ, નર્મદા

              નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. રાજપીપળા પાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે. એ તમામની વચ્ચે રાજપીપળા પાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા ઉમેદવાર તો અમુક વોર્ડમાં આયાતી ઉમેદવારો ભાજપે ઉતારતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. અગાઉ નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાન આરબે પણ બળવો કરી વોર્ડ નં. 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન ગાંધી તથા નાંદોદ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન તડવીએ વોર્ડ નં. 7 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. રાજપીપળા પાલિકા વોર્ડ નં. 5 અને વોર્ડ નં. 7 માંથી ભાજપની જ મહિલા આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે ચુંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે. રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલે વોર્ડ નં. 6 માંથી ભાજપ અને અપક્ષ એમ 2 ફોર્મ ભર્યા હતા.

ભાજપની સેવાનું ફળ ન મળ્યું, હું ફોર્મ પાછું નહિ ખેંચુ : મનીષાબેન ગાંધી

             નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષા બેન ગાંધીએ જણાવ્યું હતું કે હું 1999 થી ભાજપમાં કામ કરૂં છું. મેં પોતે ભાજપની તમામ બેઠકોમાં હાજરી આપી છે. જવાબદારી પૂર્વક કામ પણ કર્યું છે. ગત વખતે પણ મારા વોર્ડ નં. 5 માંથી સામાન્ય મહિલા અનામત સીટ પરથી મને ટીકીટ આપી ન્હોતી અને આ વખતે પણ મને ટીકીટ નથી આપી. સામાન્ય મહિલા અનામત સિટ પરથી આદીવાસી મહિલાને ઉમેદવાર બનાવી છે. જો પક્ષ કહેશે તો અમે રાજીનામુ પણ આપવા તૈયાર છે. અમે ભાજપની જે સેવા કરી એનું ફળ અમને ન મળ્યું. હું કોઈ પણ ભોગે ફોર્મ પરત ખેંચુ નહિ એમ જણાવ્યું હતું.

      અત્રે એ ઉલ્લેખનીય છે કે મનીષાબેન ગાંધીએ અન્ય વોર્ડ માંથી કોઈ દિવસ ટીકીટ માંગી નથી પણ વોર્ડ નં. 5 માંથી ટીકીટ માંગી તે છતાં સામાન્ય મહિલાની જગ્યાએ ભાજપે આદીવાસી મહિલાને ટિકીટ આપતા ભારે રોષ ફેલાયો છે.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપળા

Related posts

Leave a Comment