નર્મદા જિલ્લામાં ૨૫૦ JLESG જૂથના લક્ષ્યાંક અંતર્ગત ૨૫૦૦ જેટલી બહેનોને રૂપિયા અઢી કરોડનું થનારૂં ધિરાણ  

હિન્દ ન્યૂઝ, રાજપીપલા,

             ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી યોજાયેલા ઇ-લોન્ચીંગ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, મહિલા અગ્રણી શ્રીમતી દર્શીનીબેન કોઠીયા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફીસર જયેશભાઇ પટેલ સહિત મહિલા જૂથ સખી મંડળની બહેનો ઉપરાંત સહકારી મંડળીઓ, ખાનગી બેંન્કો, નાગરિક અને સહકારી બેંન્કોના પ્રતિનિધિઓ વગેરેની ઉપસ્થિતીમાં યોજાયેલા સ્થાનિક કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના માનવીની સાથોસાથ સૌથી વધુ મહિલાઓ અને બાળકોની ચિંતા કરી છે. મહિલાઓના ઉત્કર્ષ માટે ૦ ટકા વ્યાજ ધિરાણ સહાય લોનની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, ત્યારે લાભાર્થી જૂથની બહેનોને નાના મોટા ગૃહ ઉદ્યોગના એકમો શરૂ કરીને આત્મનિર્ભર થવા તેમણે આહવાન કર્યું હતું. મહિલા અગ્રણી શ્રીમતી દર્શીનીબેન કોઠીયાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જાણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં મહિલા સશક્તિકરણનો પાયો નાંખ્યો છે, ત્યારે તેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લોકાર્પણ સાથે મહિલાઓના કલ્યાણ માટે આ યોજના અર્પણ કરવામાં આવી છે. સ્વસહાય જૂથની બહેનો દ્વારા પશુપાલન ગૃહ ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવે છે, ત્યારે કોઇપણ જરૂરિયાતમંદ બહેન આવી મહિલા કલ્યાણલક્ષી યોજનાઓથી વંચિત રહી ન જાય તેની સામૂહિક જવાબદારી નિભાવવાની સાથે જરૂરીયાતમંદ બહેનો સુધી તેનો લાભ પહોંચે તે માટે કટિબધ્ધ થવા શ્રીમતી કોઠીયાએ આહવાન કર્યું હતું. રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ તેમના પ્રસંગોચિત્ત ઉદબોધનમાં સરકારશ્રીની જીરો ટકા વ્યાજની ધિરાણ સહાયનો લાભ લઇ મહામારીના કપરા કાળમાં બહેનોને પગભર થવાની સાથે આત્મનિર્ભર બનવાની પણ હિમાયત કરી હતી. આ પ્રસંગે (NULM) રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના લાભાર્થી શ્રીમતી મીનાબેન રાવલજીએ તેમના પ્રતિભાવમાં રૂા. ૧.૨૦ લાખની ધિરાણ સહાય થકી પ્રાપ્ત કરેલી આજીવિકાની જેમ આજે ઇ-લોન્ચીંગ થયેલી યોજના હેઠળ જરૂરીયાતમંદ બહેનોએ પણ લાભ મેળવીને પોતાના પરિવારને સહાયરૂપ થવા જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે JLESG ના ત્રણ જૂથને રૂા. ૧ લાખ લેખે કુલ રૂા.૩ લાખની ધિરાણ સહાયના મંજુરી પત્રો એનાયત કરી તેના MOU કરાયા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લાને ફાળવાયેલ ૨૫૦ મહિલા સ્વસહાય જૂથો બનાવીને આવરી લેવાના લક્ષ્યાંક અંતર્ગત કુલ રૂપિયા અઢી કરોડના વ્યાજે ધિરાણ પુરું પડાશે. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યેશભાઇ પટેલે કાર્યક્રમની રૂપરેખા સાથે યોજનાકીય માહિતીની જાણકારી આપી હતી. NULM ના મેનેજર શ્રીમતી નિશા પરમારે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી અંતમાં આભારદર્શન કર્યું હતું.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment