હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં આગામી તા.૩૦/૧૧/૨૦૨૬ થી તા.૦૯/૧૨/૨૦૨૬ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા GSOS ની નવેમ્બર/ડિસેમ્બર-૨૦૨૬ માં લેવાનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના નિયમિત/રીપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષા યોજાનાર છે તે અને જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા તેઓને મળેલ સત્તાની રૂઈએ સમગ્ર આણંદ જિલ્લામાં તા.૩૦/૧૧/૨૦૨૬ થી તા.૧૪/૧૨/૨૦૨૬ (બંન્ને દિવસો સહિત) સુધી જિલ્લામાં કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ જિલ્લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઈજા કરી શકાય તેવા કોઈપણ સાધનો સાથે રાખી ફરવા ઉપર, સક્ષમ અધિકારીની પરવાનગી વગર ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવા ઉપર અને ચાર કરતાં વધુ માણસોની સભા ભરવા કે બોલાવવા તથા સરઘસ કાઢવા સહિતના કૃત્યો કરવાની મનાઈ ફરમાવાઈ છે.
આ હુકમ સમગ્ર આણંદ જિલ્લાના રસ્તાઓ, ફૂટપાથ, ગલીઓ અને પેટા ગલીઓ તથા જાહેર મકાનો પર લાગુ પડશે. સરકારી નોકરી કે કામગીરીમાં ફરજ પર હોય તેવી વ્યક્તિઓ તેમજ અશક્ત લોકોને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
