બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રામપરા ગામે ૬૦ દિવસીય મેગા ડ્રાઈવ અંતર્ગત કાનૂની સેવા ક્લિનિક ખાતે આરોગ્ય અને બેંકિંગ સેવાઓ માટે કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

         બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામે નાલ્સા (નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી)ની ૬૦ દિવસીય મેગા ડ્રાઈવ અંતર્ગત ગ્રામજનોને સરકારી આરોગ્ય અને બેંકિંગ સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા આશયથી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

         જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદના અધ્યક્ષ એમ.જે. પરાશર, ફુલટાઈમ સેક્રેટરી એચ.જે. બ્રહ્મભટ્ટ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, બરવાળાના ચેરમેનશ્રી જે.એચ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૩૦/૧૧/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રામપરા ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલા લીગલ સર્વિસ ક્લિનિકમાં આ કેમ્પ યોજાશે.

         આ કેમ્પમાં આરોગ્ય વિભાગ તથા બેંક ઓફ બરોડાના સહયોગથી પાત્ર લાભાર્થીઓ માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ કઢાવવા તેમજ બેંકિંગ સુવિધાઓથી વંચિત નાગરિકો માટે બેંક ખાતા ખોલાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

          આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સુધી આરોગ્ય સુરક્ષા અને નાણાકીય સમાવેશની સુવિધાઓ સરળતાથી પહોંચાડવાનો છે. જેથી રામપરા સહિત આસપાસના વિસ્તારના વધુમાં વધુ ગ્રામજનો આ કેમ્પમાં ઉપસ્થિત રહી ઉપલબ્ધ સેવાઓનો લાભ લે તેમ બરવાળા તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.       

Related posts

Leave a Comment