નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ

હિન્દ ન્યુઝ, નવસારી

   ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના વિવિધ રસ્તાઓને થયેલા નુકસાનને પગલે રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને માર્ગ વ્યવહાર વધુ સુગમ બને તે હેતુથી વિભાગ દ્વારા નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે.

    નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર શ્રી મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિભાગ હસ્તકના રસ્તાઓ પર મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સણવલ્લા, રાનવેરી, ટાંકલ અને કરંજવેરી સહિતના માર્ગો પર જ્યાં-જ્યાં રસ્તાઓને નુકસાન થયું છે, ત્યાં સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં રસ્તાઓના રિપેરિંગની કામગીરી મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે.

    રસ્તાઓની મરામતની સાથે માર્ગોની આસપાસ સ્વચ્છતા અને વાહનચાલકોને સ્પષ્ટ દૃશ્યતા મળી રહે તે માટે ગેરુ-ચૂનાની કામગીરી તેમજ રસ્તાની બાજુમાં ઊગી નીકળેલી વનસ્પતિ અને ઝાડી-ઝાંખર દૂર કરવા જંગલ કટિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

    આમ, ચોમાસા દરમિયાન ભારે વરસાદથી રસ્તાઓને થયેલા નુકસાનને દૂર કરવા અને માર્ગ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

 

Related posts

Leave a Comment