રણોત્સવ ૨૦૨૬-૨૭ના આયોજન અંગે ધોરડો ખાતે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ 

   આગામી ‘રણોત્સવ ૨૦૨૬-૨૭’ના સુચારુ આયોજન માટે અને પ્રવાસીઓની કચ્છના સફેદ રણ ધોરડોની મુલાકાતને વધુ સુવિધાસભર બનાવવા માટે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ‘રણોત્સવ જિલ્લા કોર કમિટી’ની મહત્વપૂર્ણ બેઠક ધોરડો ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ રણોત્સવની પૂર્વતૈયારીઓના ભાગરૂપે વહીવટીતંત્રની વિવિધ ટીમોની જવાબદારીઓ અને કામગીરીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. વડાપ્રધાનશ્રીના વિઝનથી શરૂ થયેલા રણોત્સવ ખાતે પધારનારા પ્રવાસીઓની યાત્રા વધુ સુગમ અને સુવિધાસભર બને તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ સંબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. 

રણોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવતા મહાનુભાવો અને પ્રવાસીઓની સુવિધા માટે ‘ટેન્ટસીટી અને ગેટવે ટુ રણ રિસોર્ટ ખાતે ઉપલબ્ધ સુવિધાઓની કચ્છ કલેક્ટરએ સમીક્ષા કરી હતી. કચ્છ કલેક્ટરના દિશાદર્શનમાં સફેદ રણ ધોરડો, રોડ ટુ હેવન તેમજ ધોળાવીરા સાઈટ માટે અલાયદી ટીમો બનાવીને વહીવટીતંત્રના અધિકારીશ્રીઓને સંકલનની જવાબદારી સોપવામાં આવી છે. વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલા ‘રોડ ટુ હેવન’ અને ધોળાવીરા વિસ્તારના સુચારુ સંચાલન માટે ‘રોડ ટુ હેવન અને ધોળાવીરા ટીમ’ની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં પ્રવાસીઓની સુરક્ષાના હેતુથી સઘન પેટ્રોલીંગ કરવામાં આવશે. બેઠક દરમિયાન ‘રોડ ટુ હેવન’ ખાતે પ્રવાસીઓ માટે ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 

આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ એવા રણોત્સવ દરમિયાન પર્યાવરણ જાળવણી થાય અને સ્વચ્છતા જળવાઈ એ બાબત પર ખાસ મૂકીને રાઉન્ડ ધ કલોક કામગીરી કરવા કચ્છ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, રોડ ટુ હેવન અને ધોળાવીરા વિસ્તારમાં પ્લાસ્ટીક તથા અન્ય ગંદકી ન થાય તે ચુસ્તપણે સુનિશ્ચિત કરવા કામગીરી કરવા સૂચના આપી હતી. 

કચ્છ કલેક્ટરએ આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારના અનધિકૃત દબાણો ન થાય તેની તકેદારી રાખવાની કામગીરી તેમજ તપાસ દરમિયાન ધ્યાને આવે તો દબાણોને તાત્કાલિક દૂર કરવાની કામગીરી ઝડપથી કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. 

કચ્છ કલેક્ટરએ આ બેઠક દરમિયાન રણોત્સવના સુદ્ઢ આયોજન માટેના માસ્ટર પ્લાનની સમીક્ષા કરી હતી. તેઓએ અવિરત બીએસએનએલ ઈન્ટરનેટ સેવા, સેનિટેશન સુવિધાઓની મરામત, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ, એડવેન્ચર સ્પોર્ટ્સમાં જરૂરી સેફ્ટી નિયમોનું ચુસ્તપણે પાલન, પ્રવાસીઓ માટે હેલ્પ ડેસ્ક અને તેમના યોગ્ય સૂચનોનું નિરાકરણ, કનેક્ટિવિટી માટે રસ્તાનું નિર્માણ અને મરામત, પ્રવાસીઓ માટે ઊંટ ગાડી સહિતના પરિવહનના નિયત ટિકિટ દરો, ઈલેક્ટ્રીક સપ્લાય, ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે ચર્ચા કરીને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. 

આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરએ સફેદ રણ વ્યૂ પોઈન્ટ, કલ્ચરલ કાર્યક્રમ સ્ટેજ સહિત ક્રાફટ બજાર, ગેમ ઝોન વગેરે માટે નિયત જગ્યાઓની મુલાકાત લઈને પ્રવાસીલક્ષી સુવિધાઓ જાળવી રાખવા જણાવ્યું હતું. એસટી નિગમ દ્વારા મુસાફરોની વ્યુ પોઈન્ટ સુધી આવાગમન અંગે વિસ્તૃત જાણકારી મેળવીને કચ્છ કલેક્ટરશ્રીએ વ્યૂ પોઈન્ટ ખાતે ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. 

આ મુલાકાત દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, અધિક કલેક્ટરશ્રી પી.એલ.વિઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, પ્રાંત અધિકારી સર્વ મહેશ નાકિયા, અભિષેક પ્રમોદ તલે, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહ, જિલ્લા પુરવઠા અધિકારી વિવેક બારહટ, મામલતદાર તેજસ પટેલ, ભુજ એસટી નિગમના વિભાગીય નિયામક એન.એસ.પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી કે.પી.નાઈ, ધોરડો ગ્રામ પંચાયતના સરપંચશ્રી મિયાં હુશેન, બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત આરોગ્ય, વન, ખેતીવાડી, પશુપાલન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment