પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનિત ગિરીશભાઈ જાદવઃ પાંચ એકરમાં ૨૭થી વધુ પ્રકારનાં શાકભાજી-ફળોની ખેતી કરી બન્યા પ્રેરણાસ્ત્રોત

હિન્દ ન્યુઝ, વડોદરા

   જમીનની તંદુરસ્તી જાળવવી, ખેતીમાં પાકનું વૈવિધ્ય વધારવું અને કૃષિને લાંબા ગાળે ટકાઉ બનાવવી, આ ત્રણેય બાબતોને કેન્દ્રમાં રાખીને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામના ખેડૂત ગિરીશભાઈ નારણભાઈ જાદવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. પાંચ એકર જમીનમાં ૨૭થી ૨૮ પ્રકારનાં શાકભાજી અને ફળોનું વાવેતર કરીને તેઓ પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રયોગો કરી રહ્યા છે. તેમની આ કામગીરીને ATMA અંતર્ગત વર્ષ ૨૦૨૫માં તાલુકા અને વર્ષ ૨૦૨૬માં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ ખેડૂત તરીકે એવોર્ડથી બિરદાવવામાં આવ્યા છે.

લગભગ છ વર્ષ પહેલાં ગિરીશભાઈએ પોતાના ખેતરમાં શાકભાજીના પાકને રસાયણો અને જંતુનાશકોના ઉપયોગને કારણે થતું નુકસાન અનુભવ્યું હતું. આ અનુભવ તેમના માટે ખેતીની પદ્ધતિ અંગે નવેસરથી વિચારવાનું કારણ બન્યો હતો. તેમણે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળીને જમીનની તંદુરસ્તી સુધારવા અને ખેતીમાં કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા પ્રયાસો શરૂ કર્યા હતા.

આજે તેમની પાંચ એકર જમીનમાં રીંગણ, ભીંડા, કારેલાં, પરવળ, ચોળી, મેથી, પાલક સહિત વિવિધ શાકભાજીનું વાવેતર થાય છે. સાથે જ જામફળ અને ચીકુ જેવાં ફળોનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. ઋતુ અને પાકની જરૂરિયાત અનુસાર ખેતીનું આયોજન કરીને તેઓ ખેતરમાં પાકનું વૈવિધ્ય જાળવી રાખે છે. એક જ પ્રકારના પાક પર આધાર રાખવાને બદલે ૨૭ જેટલી વિવિધ શાકભાજી, બાજરી અને ફળોનું વાવેતર કરવાથી ખેતીમાં વૈવિધ્યસભર અભિગમ વિકસાવવામાં તેમને મદદ મળી છે.

ગિરીશભાઈ પ્રાકૃતિક ખેતીને માત્ર પાક ઉગાડવાની પદ્ધતિ તરીકે નહીં, પરંતુ જમીનની ગુણવત્તા જાળવવા અને ખેતીને વધુ ટકાઉ બનાવવાના અભિગમ તરીકે જુએ છે. તેઓ વિવિધ પ્રકારનાં એન્ઝાઇમ્સ તૈયાર કરીને ખેતીમાં પ્રયોગો પણ કરી રહ્યા છે. પોતાના અનુભવના આધારે ખેતીની પદ્ધતિમાં સુધારા કરવા અને પ્રાકૃતિક ખેતીની સંભાવનાઓ શોધવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

આ સફરમાં ATMA -એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી)અને સરકારની કૃષિલક્ષી યોજનાઓના સહયોગથી તેમને પ્રોત્સાહન મળ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, યોજનાના માધ્યમથી તેમને આશરે ૬૦,૦૦૦ની સહાય પણ મળી છે. ગિરીશભાઈની કામગીરીનું મહત્તવનું પાસું એ છે કે તેઓ પોતાના અનુભવને અન્ય ખેડૂતો સુધી પહોંચાડવા પણ પ્રયત્ન કરે છે. અત્યાર સુધીમાં તેઓ છ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરી ચૂક્યા છે. આ રીતે તેમના પ્રયાસો વ્યક્તિગત ખેતી પૂરતા સીમિત ન રહેતાં સ્થાનિક સ્તરે કૃષિ પદ્ધતિઓમાં પરિવર્તન લાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

ગિરીશભાઈ નારણભાઈ જાદવની સફર દર્શાવે છે કે ખેતીમાં પરિવર્તન લાવવા માટે સમસ્યાઓને ઓળખવી, નવી પદ્ધતિઓ અજમાવવી અને સતત શીખતા રહેવું જરૂરી છે. પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની તંદુરસ્તી જાળવવા, પાકનું વૈવિધ્ય વધારવા અને ખેતીને આર્થિક રીતે ટકાઉ બનાવવાના તેમના પ્રયાસો અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની શકે છે.

વર્ષ ૨૦૨૫માં તાલુકા અને વર્ષ-૨૦૨૬માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત તરીકેનું સન્માન તેમની મહેનત અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. ગણપતપુરાના આ ખેડૂતની સફરનો સંદેશ છે કે જમીનને સ્વસ્થ રાખવાની દિશામાં લેવાયેલું એક પગલું માત્ર ખેતર પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ અન્ય ખેડૂતોને પણ ખેતીના વધુ ટકાઉ વિકલ્પો અપનાવવા પ્રેરિત કરી શકે છે.

 

Related posts

Leave a Comment