હિન્દ ન્યુઝ,
ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ ખાતે આચાર્ય ડૉ. જે. એમ. ભોયાના માર્ગદર્શન હેઠળ તા. ૧૪/૧૦/૨૦૨૬ના રોજ મહિલા સુરક્ષા, બાળ અધિકારો, કાયદાકીય જોગવાઈઓ અને સાયબર ક્રાઇમ જાગૃતિ વિષયક એકદિવસીય વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન સપ્તધારા, મહિલા વિકાસ સેલ અને જાતીય સતામણી પ્રિવેન્શન સેલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન ડૉ. પ્રીતિબેન પટેલે કર્યું હતું.
કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી કચેરી-આહવા તરફથી વિજયભાઈ ગામીતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’, ‘વ્હાલી દીકરી’ તથા ગંગા સ્વરૂપા સહાય યોજના વિશે માર્ગદર્શન આપ્યું હતું. બાળ સુરક્ષા વિભાગના નિકોલસભાઈ અને જયરામભાઈએ ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮, પોક્સો (POCSO) એક્ટ, બાળલગ્ન પ્રતિબંધક કાયદો તથા પાલક માતા-પિતા યોજના અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરના રેખાબેન પટેલે મહિલાઓ સામે થતી હિંસા, જાતીય ગુનાઓ સામે કાયદાકીય રક્ષણ અને ૧૮૧ અભયમ તથા ૧૧૨ હેલ્પલાઇનની કામગીરી સમજાવી હતી. વઘઈ પોલીસ સ્ટેશનના નિરંજનાબેન અને ટીમે ડિજિટલ ફ્રોડથી બચવા, સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ અને ઓનલાઇન સુરક્ષાના ઉપાયો જણાવ્યા હતા. આ ઉપરાંત, ૧૦૮ ઇમરજન્સી ટીમે તાત્કાલિક આરોગ્ય સેવાઓ અંગે સમજ આપી હતી. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
