આણંદ જિલ્લામાં ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાનો ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ

હિન્દ ન્યુઝ, આણંદ   

રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને GVK EMRIના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાએ તા.૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક ૯ વર્ષ પૂર્ણ કરી ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. નિરાધાર, બિનવારસી તેમજ ઈજાગ્રસ્ત અબોલ પશુ-પક્ષીઓ માટે આશાનું કિરણ બનેલી આ હેલ્પલાઇન આજે માત્ર એક ઈમરજન્સી સેવા ન રહેતા મૂંગા જીવો માટે સાચા અર્થમાં જીવનદાયી સહારો પુરવાર થઈ રહી છે.

છેલ્લા નવ વર્ષની અવિરત અને નિઃસ્વાર્થ સેવા દરમિયાન ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા આણંદ જિલ્લામાં કુલ ૨૦,૦૯૧થી વધુ પશુઓ અને પક્ષીઓને સ્થળ પર જ સમયસર નિઃશુલ્ક સારવાર પૂરી પાડીને અસંખ્ય અબોલ જીવોને નવજીવન બક્ષવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ અને GVK EMRIના સંકલનથી ચાલતી આ સેવા માત્ર ઇમરજન્સી હેલ્પલાઇન પૂરતી સીમિત ન રહેતા, આપત્તિના સમયે મૂંગા પશુ-પક્ષીઓ માટે સાચા અર્થમાં જીવનદાયી સહારો સાબિત થઈ છે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે આજે આણંદ પશુ દવાખાના ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પશુપાલન વિભાગના નાયબ નિયામક (DAHO) ડૉ. ધારાબેન પંચાલ, ADHO ડૉ. જીગ્નેશ પટેલ, તાલુકા વેટરનરી અધિકારી ડૉ.પ્રહલાદ સોલંકી, ડૉ. વરુણ પટેલ તેમજ GVK EMRIના પ્રોગ્રામ મેનેજર ડૉ. નીરાજસિંહના વરદ હસ્તે કેક કાપીને હેલ્પલાઇનના ૯ વર્ષની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ, વેટરનરી ડૉક્ટર્સ, પાયલોટસ તથા પશુચિકિત્સા ક્ષેત્રે જોડાયેલા સ્ટાફ મિત્રો અને સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ આગામી સમયમાં પણ વધુ સમર્પણ, સંવેદના અને સેવાભાવ સાથે મૂંગા જીવોની સેવા કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઇમરજન્સી સમયે ૧૯૬૨ નંબર પર મળતી ત્વરિત તબીબી સહાયથી જિલ્લાના પશુપાલકો અને જીવદયાપ્રેમીઓમાં પણ વ્યાપક સંતોષની લાગણી જોવા મળી રહી છે.

Related posts

Leave a Comment