હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી અને ન્યુ વલ્લભ વિધાનગર ખાતે આવેલ એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ યોજાયો હતો. વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડૉ. ડી. એચ. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનો અને સ્વાસ્થ્ય રક્ષણ કરવાનો હતો.
આ કેમ્પમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પેન્શનરો, ફાર્મ મજૂરો તેમજ યુનિવર્સિટી વસાહત (કેમ્પસ) ખાતે રહેતા પરિવારજનોના ૦ થી ૧૫ વર્ષની વયજૂથના બાળકોને આવરી લેવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન કુલ ૧૩૪ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.
આ કેમ્પ દરમિયાન યુનિવર્સિટી હેલ્થ સેન્ટર અને એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલના તબીબો અને સ્ટાફગણ દ્વારા પ્રશંસનીય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. યુનિવર્સિટી પરિવારના સભ્યો અને સ્થાનિક વસાહતીઓએ આ આરોગ્યલક્ષી આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
