સ્વચ્છતા હી સેવા અંતર્ગત ‘‘ક્લિન તિથલ-ક્લિન વલસાડ’’ના સંકલ્પ સાથે વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનની આગેવાનીમાં તિથલ બીચ પર સફાઈ અભિયાન યોજાયું

હિન્દ ન્યુઝ, વલસાડ 

     વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના “સ્વચ્છતા હી સેવા” ના સંકલ્પને સાકાર કરવા વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના વડપણ હેઠળ રવિવારે વલસાડના રમણીય તિથલ બીચ ખાતે ‘ક્લિન તિથલ-ક્લિન વલસાડ’ની ટેગલાઈન સાથે વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે ૮થી ૧૧ વાગ્યા સુધી સતત ત્રણ કલાકના આ અભિયાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર ટીમ બનાવી તિથલ બીચ તેમજ આસપાસના આશરે ૪ કિમી વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાનમાં આરોગ્ય વિભાગ, પોલીસ, હોમગાર્ડ, એનસીસી, એનએસએસ તેમજ વિવિધ ખાનગી અને સેવાભાવી સંસ્થાના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ સફાઈ અભિયાનમાં સહભાગી બની લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સાથે ઉપસ્થિત સૌએ તિથલ બીચને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલે જણાવ્યું કે, સ્વચ્છતાને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ. આ માત્ર એક દિવસનું અભિયાન નથી, પરંતુ આજીવન ચાલુ રહે તે જરૂરી છે. આપણે પોતે ગંદકી ન કરીએ અને બીજાને પણ ગંદકી કરતા રોકીએ તો જ આ અભિયાન સાર્થક થયું કહેવાશે. તેમણે ઉપસ્થિત લોકોને પોતાના આસપાસના વિસ્તારમાં પણ સ્વચ્છતા જળવાય અને ગંદકી ન ફેલાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય આપ્યું છે, ત્યારે આ લક્ષ્યને સાકાર કરવામાં સ્વચ્છતા મહત્વનો ભાગ ભજવે છે. આપણો બીચ અને પ્રવાસન સ્થળ સ્વચ્છ અને સુંદર રહેશે તો મોટી સંખ્યામાં પર્યટકો આવશે, જેના પરિણામે સ્થાનિક તેમજ દેશની અર્થવ્યવસ્થાને પણ લાભ થશે.

વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, તિથલ બીચ માત્ર વલસાડ પૂરતો સીમિત નથી, પરંતુ દેશ-વિદેશમાંથી લોકો અહીં ફરવા આવે છે. ત્યારે આપણા બીચને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી આપણી સૌની છે. વડાપ્રધાનએ લાલ કિલ્લા પરથી સ્વચ્છતા માટે આહવાન કર્યા બાદ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધી છે, પરંતુ હવે સ્વચ્છતાને જીવનનો કાયમી ભાગ બનાવવાની જરૂરિયાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું કે, આપણા દેશમાં બીચ સહિત અનેક ઐતિહાસિક અને કુદરતી ધરોહરો છે, તેમ છતાં અન્ય દેશોની તુલનામાં અહીં પર્યટકોની સંખ્યા ઓછી છે. સ્વચ્છતાના અભાવને પણ તેનું એક કારણ ગણી શકાય. હવે દરેક વ્યક્તિએ સ્વચ્છતા પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, સરકાર અને વહીવટી તંત્ર પોતાની કામગીરી કરે જ છે, પરંતુ લોકો પોતે સ્વચ્છતા અંગે જાગૃત બની ગમે ત્યાં ગંદકી ન ફેલાવે તો તિથલ સહિત સમગ્ર વલસાડ સ્વચ્છ અને સુંદર બની શકે છે. કોઈ વ્યક્તિ ગંદકી ફેલાવતી જોવા મળે તો તેનો ફોટો પાડી ગામના સરપંચ-તલાટી, પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ મહાનગરપાલિકાના મેયર અથવા કમિશનરને મોકલવા કલેકટરએ અપીલ કરી ગંદકી ફેલાવનાર સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

કલેકટરએ વધુમાં જણાવ્યું કે, પોતે પણ ગંદકી ન કરવી અને બીજાને પણ ગંદકી કરતા અટકાવવી એ જાગૃત નાગરિક તરીકે આપણી સૌની જવાબદારી છે. સાથે જ તેમણે સફાઈ કામદારોના યોગદાનને બિરદાવતા જણાવ્યું કે, લોકો ગંદકી ફેલાવે છે અને સફાઈ કામદારો તેને સાફ કરે છે. તેથી જ્યાં પણ સફાઈ કામદારો મળે ત્યાં તેમનું સન્માન કરવું જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ સફાઈ કામદારોનું સન્માન કરતા હતા.

આ સફાઈ અભિયાનમાં તિથલ ગામના સરપંચ રાકેશભાઈ પટેલ, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.વી. ડાંગી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંઘ, શિક્ષણ વિભાગના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર બીપીનભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી જી.જી. વળવી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના અંદાજે ૭૦૦ લોકો જોડાયા હતા.



કલેકટર નીતિન સાંગવાને વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા 

     જિલ્લા કલેકટર નીતિન સાંગવાને વલસાડની વિવિધ કોલેજમાંથી જોડાયેલા એનએસએસ અને એનસીસીના વિદ્યાર્થીઓને સફાઈ અભિયાનની સાથે બારીકાઈપૂર્વક સ્વચ્છતાના પાઠ પણ ભણાવ્યા હતા. સફાઈ અભિયાન દરમિયાન જે પણ કચરો મળે તેનાથી થતા નુકસાન અંગે પણ સમજાવ્યુ હતું. જેમ કે, માઈક્રો પ્લાસ્ટીક, સિંગલ યુઝ પ્લાસ્ટીક અને થર્મોકોલ સહિતની બાબતો અંગે વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી પણ જ્ઞાનમાં વધારો કરી તેમના સવાલોના જવાબ પણ કલેકટરએ આપ્યા હતા. આ તબક્કે વિદ્યાર્થીઓએ પણ કલેકટર પાસેથી સ્વચ્છતાના પાઠ શીખી યુથ તરીકે દેશના વિકાસમાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપવાની પ્રેરણા પણ મેળવી હતી. કલેકટરએ રમત ગમતમાં રસ ધરાવતા યુવાનોને ફિટનેસ અંગે પણ ટીપ્સ આપી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. 

Related posts

Leave a Comment