‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત વડોદરામાં પેડલ ક્લીનર સાયક્લોથોન યોજાઈ

હિન્દ ન્યુઝ, વડોદરા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમનને પગલે વડોદરા મહાનગરપાલિકા અને વી બરોડિયન દ્વારા સંયુક્ત રીતે ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત વહેલી સવારે ‘પેડલ ક્લીનર વડોદરા સાયક્લોથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી યોજાયેલી આ સાયક્લોથોનમાં શહેરના નગરજનો, વિવિધ એનજીઓ, સાયકલિંગ ક્લબના સભ્યો, વિદ્યાર્થીઓ સહિત ૧૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, સાંસદ ડો. હેમાંગભાઈ જોશી, નાયબ મેયર આદિત્યભાઈ પટેલ, અગ્રણી જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય સતિષભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કાઉન્સિલરો, મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ના સંકલ્પ તથા ‘સન્ડે ઓન સાયકલ’ના સંદેશને સાકાર કરતી આ સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવાનો અને વડાપ્રધાનના સ્વચ્છતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો હતો. સાયકલિંગ સાથે સ્વચ્છતાનો સંદેશ જોડીને નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વડોદરા માટે સહભાગી બનવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ સાયક્લોથોન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી પ્રસ્થાન કરી દરબાર ચોકડી, વડસર બ્રિજ, જ્યુપિટર ચોકડી અને તુલસીધામ ચોકડી થઈ પુનઃ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગેના સંદેશ સાથે નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ સાયક્લોથોન દ્વારા વડોદરાવાસીઓએ સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસોમાં નાગરિકોની વ્યાપક સહભાગિતાએ અભિયાનને વધુ જનઆંદોલનરૂપ બનાવ્યું હતું.

Related posts

Leave a Comment