બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), આહવા ખાતે ૧૦ દિવસીય મશરૂમ તાલીમ પુર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બરોડા 

   ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત તથા બેન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), આહવા અને ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧/૦૮/૨૦૨૬ થી ૨૦/૦૮/૨૦૨૬ દરમિયાન કાલીબેલ ગામ ખાતે ૧૦ દિવસીય મશરૂમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સખી મંડળની ૩૫ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન તાલીમાર્થી બહેનોને મશરૂમની ખેતી, ઉત્પાદન, સંભાળ, પેકિંગ, માર્કેટિંગ તેમજ બજારમાં વેચાણ અંગે નિષ્ણાતો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વઘઈ ખાતે એક દિવસીય ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્ડ વિઝિટ દરમિયાન તાલીમાર્થી બહેનોએ મશરૂમ ઉત્પાદનની પ્રાયોગિક કામગીરી નિહાળી હતી. તેમજ નિષ્ણાતો પાસેથી મશરૂમ ઉત્પાદન અંગે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

તેમજ તાલીમ પૂર્ણ થયા બાદ યોજાયેલા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં મશરૂમ DST ટ્રેનર રાધેશ્યામ સર, મહિલા અને બાળ અધિકારીની કચેરીના સૂર્યવંશી મેહુલભાઈ, મહિલા સહાયતા કેન્દ્રના હીનાબેન, RSETI ફેકલ્ટી રંજનબેન દળવી તથા RSETI સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી બહેનોને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ મશરૂમ ઉત્પાદનને વ્યવસાય તરીકે અપનાવી સ્વરોજગાર અને આવકવૃદ્ધિ તરફ આગળ વધવા માટે રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને મશરૂમ ઉત્પાદન જેવી આવકવર્ધક પ્રવૃત્તિ સાથે જોડીને ઘરઆંગણે સ્વરોજગારની તકો ઊભી કરવી અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો હતો. તાલીમાર્થી બહેનોએ તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરીને મશરૂમ ઉત્પાદન શરૂ કરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment