ડેરી એનાલોગના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ દ્વારા સઘન કાર્યવાહી

હિન્દ ન્યુઝ, વલસાડ

       ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ સર્કલ દ્વારા તા. ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ગાંધીનગરના હુકમ અન્વયે જાહેર આરોગ્યના હિતમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તેના અંતર્ગત ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. વલસાડ સર્કલ વિસ્તારમાં ડેરી એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણને પ્રતિબંધિત કરવા માટે કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

      આ તપાસ ઝુંબેશ દરમિયાન વલસાડ, વાપી, ઉમરગામ, અને પારડી સહિતના વિસ્તારોની અનેક ડેરીઓમાં તપાસ કરવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓ દ્વારા ગોકુલ ડેરી અને સ્વિટ (ઉમરગામ) માંથી ૪ કિલો, શ્રી સાંવરીયા ડેરી (ઉમરગામ) માંથી ૩ કિલો, રાધા કૃષ્ણ ડેરી (ઉમરગામ) માંથી ૫ કિલો, ભેરુનાથ ડેરી (વાપી) માંથી ૧ કિલો અને શ્રી ધરમરાજ ડેરી (વાપી) માંથી ૧૩ કિલો એનાલોગ પનીરનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શિવ આરતી ડેરી (વાપી) માંથી ૬ કિલો, શ્રી સાવરીયા ડેરી એન્ડ સ્વીટ (વાપી) માંથી ૪.૯ કિલો, ધારા ડેરી (પારડી) માંથી ૨ કિલો, ધર્મરાજ ડેરી (વાપી) માંથી ૭ કિલો, ગોકુલ ડેરી (પારડી) માંથી ૨૨ કિલો, માતેશ્વરી ડેરી (વાપી) માંથી ૪.૫ કિલો અને લક્ષ્મી ડેરી (વાપી) માંથી ૩ કિલો એનાલોગ પનીર સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હોવાનું ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ દ્વારા જણાવાયું છે.

      તંત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર કામગીરી દરમિયાન મારડિયા ફૂડ પ્રોડક્ટ, આયુષી ડેરી, મનીષ ડેરી, શ્રીજી ડેરી, ભરૂચા ડેરીની વિવિધ શાખાઓ, યાદવ ડેરી, ગોકુલ ડેરી (સ્ટેશન રોડ, ઉમરગામ), સૈયદ અલી ડેરી, નટરાજ ડેરી, સાવરીયા ડેરી (સરીગામ), ગોપાલ ડેરી ફાર્મ, શ્રી સાવરીયા ડેરી (છરવાડા) અને મારુતિ એન્ટરપ્રાઇઝ (અંબાચ) જેવા અન્ય એકમોમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીના અંતે કુલ ૭૫.૪ કિલો શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ.૨૨,૩૪૯/- જેટલી થાય છે. 

       ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ સર્કલ વલસાડ દ્વારા અખબારી યાદી મારફતે જણાવવામાં આવ્યું છે કે હજુ પણ અન્ય એકમોની તપાસની કામગીરી ચાલુ છે અને જ્યાં પણ શંકાસ્પદ પનીર, બટર કે ચીઝનો જથ્થો મળી આવશે તેનો તાત્કાલિક નાશ કરી સંબંધિત એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

Leave a Comment