હિન્દ ન્યુઝ, વલસાડ
રાજયભરમાં તા.૭ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રા યોજાશે. વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રાને અનુલક્ષી વલસાડ કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેકટરાલય ખાતે બેઠક મળી હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ વલસાડ જિલ્લા કક્ષાનો હર ઘર તિરંગા કાર્યક્રમ તા.૧૩-૮-૨૦૨૬ ના રોજ સવારે ૯-૦૦ કલાકે વાપી મહાનગર પાલિકા ખાતે થશે.
આ યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરાયું છે. આ યાત્રા અંતર્ગત પોલીસ બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારિત ધૂન રજૂ કરવામાં આવશે. ઘોડેસવાર સજ્જ પોલીસ જવાનો સાથેની તિરંગા યાત્રા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે સાયકલ, બાઇક રેલી પણ થશે.
સાંસ્કૃતિક ટીમો, એનએસએસ, એનસીસી સહિત શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં જોડાશે. આ તિરંગાયાત્રાને વંદે માતરમ ૧૫૦ વર્ષની ઉજવણી સાથે જોડ વંદે માતરમ નું મુળ સ્વરૂપમાં ગાન કરવામાં આવશે. યુવા વિકાસ અધિકારી શ્રીમતી હેમાલીબેનના જણાવ્યા અનુસાર જિલ્લામાં ગ્રામ્ય, તાલુકા, નગરપાલિકા તમામ વિસ્તારોમાં તિરંગાયાત્રા યોજાશે. સાથે શાળા કોલેજોમાં વ્યાખ્યાન, ચર્ચાસભા, પ્રદર્શન સહિત જાગૃતિના કાર્યક્રમો થશે. આ યાત્રા સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના સંવેદનશીલતા અને ગૌરવપૂર્ણ ઉજવણી પણ થશે. જેમાં ભારતના વિભાજન દરમિયાન સહન કરેલી પીડા અને બલિદાનનું સ્મરણ કરવામાં આવશે. તા.૧૪ મી ઓગસ્ટે વલસાડ ખાતે પણ કેન્ડલ માર્ચ થશે. આ યાત્રા દરમિયાન નાગિરકો સેલ્ફી લઇ www.harghartiranga.com વેબસાઇટ પર અપલોડ કરી શકશે. જિલ્લાના નાગરિકોને હર ઘર તિરંગાયાત્રામાં જોડાવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
