હિન્દ ન્યુઝ, વલસાડ
વર્ષોથી છીપવાડ–ગરનારા માર્ગ પરથી અવરજવર કરતા આશરે ૪૦ ગામના વાહનચાલકોને રેલવે ક્રોસિંગને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ લાંબા સમયથી ચાલી આવતી જનસમસ્યાના કાયમી નિરાકરણ માટે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ રેલવે ઓવર બ્રિજ (ROB) ના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
આ બ્રિજના નિર્માણની પ્રક્રિયાને વેગ આપવા માટે તાજેતરમાં GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની) ના અધિકારીઓ તથા વલસાડ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ પર સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેની કામગીરી દરમિયાન સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ, વિવિધ ટેકનિકલ પાસાઓ અને બ્રિજના સંભવિત રૂટ અંગે અધિકારીઓ દ્વારા વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંયુક્ત સર્વે પૂર્ણ થયા બાદ, સમગ્ર મુદ્દે ધારાસભ્યશ્રી અને સર્વે ટીમ દ્વારા વલસાડ કલેક્ટરશ્રી નિતીન સાંગવાન સાથે વિસ્તૃત બેઠક અને ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન બ્રિજ નિર્માણની આગામી પ્રક્રિયાને વધુ ઝડપી ગતિએ આગળ વધારવા માટે જરૂરી રણનીતિ અને આયોજન અંગે ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ રેલવે ઓવર બ્રિજનું નિર્માણ થતાં વિસ્તારના હજારો નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. લોકોને ભવિષ્યમાં સરળ, સુરક્ષિત અને સુવિધાજનક અવરજવરનો લાભ મળશે, જેના પરિણામે સમગ્ર વિસ્તારના વિકાસને એક નવી અને સકારાત્મક ગતિ મળશે.
