નારી વંદન ઉત્સવ
હિન્દ ન્યુઝ, વલસાડ
જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી નિમિત્તે એપીએમસી માર્કેટ, નાનાપોંઢા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખી “કામકાજના સ્થળે જાતીય સતામણી (POSH Act, 2013) નિવારણ અંગે જાગૃતિ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્રીમતી શ્વેતા દેસાઈ દ્વારા મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા સશક્તિકરણ તથા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી કમલેશ ગીરાસે દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ અધિનિયમ (POSH Act, 2013), ઘરેલુ હિંસા અધિનિયમ તેમજ મહિલા સુરક્ષા સંબંધિત કાનૂની જોગવાઈઓ અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, વલસાડના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન ચૌધરી દ્વારા ઉપસ્થિત બહેનોને મહિલા વિકાસ, સ્વાવલંબન અને શાસનની વિવિધ યોજનાઓનો લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાનાપોંઢા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી મનીષાબેન પટેલ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને કાર્યસ્થળ પર સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા.
સેમિનાર દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ, સખી વન સ્ટોપ સેન્ટર (OSC), પી.બી.એસ.સી. તથા અન્ય મહિલા સુરક્ષા સંબંધિત સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, મહિલા પોલીસ સ્ટેશન, વલસાડની શી ટીમના ટીમ ઇન્ચાર્જ શ્રીમતી અરૂણાબેન દ્વારા શી ટીમની કામગીરી, મહિલાઓની સુરક્ષા, તાત્કાલિક સહાય વ્યવસ્થા તથા મહિલા સુરક્ષા માટે ઉપલબ્ધ સેવાઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી “પ્રતિકાર” ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એપીએમસી માર્કેટ, નાનાપોંઢાના ચેરમેન તથા જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલ, વિવિધ કંપનીઓના મેનેજરઓ, નાનાપોંઢા ગામના આગેવાનો, એપીએમસી માર્કેટના પ્રતિનિધિઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, મહિલા પોલીસ સ્ટેશન, વલસાડની શી ટીમ, તથા મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
