હિન્દ ન્યુઝ, સુરત
અંબિકા તાલુકાના અનાવલ અને વલવાડા ગામે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે રાજ્ય સરકારની રાહત સહાય યોજના અંતર્ગત પૂરથી અસરગ્રસ્ત ૨૧૫ પરિવારોને કેશ ડોલ સહાય અર્પણ કરાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આપત્તિગ્રસ્ત નાગરિકોને ઝડપથી રાહત અને સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ છે. પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુનિયોજિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ સહાયનો લાભ અંબિકા તાલુકાના આંગળધરા, કોસ, વેહવલ, ગાંગડીયા, કુમકોતર, અનાવલ, તરકાણી, લસણપોર, બુટવાડા, હળદવા, ઉમરા, ભોરીયા, વલવાડા તથા ધામખડી ગામોના પૂર અસરગ્રસ્ત પરિવારોને આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન, ઉપપ્રમુખ અનિલભાઈ મેસુરીયા, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી રમીલાબેન, કારોબારી સભ્ય શ્રીમતી રેખાબેન, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, સંગઠન મહામંત્રી યોગેશભાઈ તેમજ સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
