હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં માતા અને બાળકના આરોગ્ય તેમજ કુપોષણ નિવારણ માટે ‘પોષણ સંગમ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી ડૉ સુધીર જોશી ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપ દરમિયાન દાહોદ જિલ્લામાંથી કુપોષણને સંપૂર્ણપણે દૂર કરવા માટે આરોગ્ય વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ (આઈસીડીએસ) વચ્ચે વધુ સુદૃઢ સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોને સમયસર ગુણવત્તાયુક્ત આરોગ્ય તથા પોષણ સેવાઓ મળી રહે તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે પોષણ અંગે જનજાગૃતિ વધારવા, કુપોષિત બાળકોની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર અને અનુસરણ સુનિશ્ચિત કરવા તેમજ આરોગ્ય અને આઈસીડીએસ વિભાગ દ્વારા સંયુક્ત આયોજન સાથે કામગીરી કરવાની અપીલ કરી હતી.
ડૉ. સુધીર જોશીએ પણ પોષણ સુધારણા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વર્કશોપના અંતે જિલ્લાના તમામ સંબંધિત વિભાગોએ “સુપોષિત દાહોદ – સ્વસ્થ દાહોદ”ના સંકલ્પને સાકાર કરવા સંયુક્ત પ્રયાસો વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
