હિન્દ ન્યુઝ, દાહોદ
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા નેશનલ હેલ્થ મિશન દ્વારા “ટીબી-મુક્ત ભારત અભિયાન” અંતર્ગત નાગરિકોને ખુલ્લામાં થૂંકવાની આદત છોડવા અપીલ કરવામાં આવી છે.
ખુલ્લામાં થૂંકવાથી ટીબીના જીવાણુઓ હવામાં ફેલાઈ અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવાનું જોખમ વધે છે, જેના કારણે પરિવાર તેમજ સમાજના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, ટીબી એક ચેપી પરંતુ સંપૂર્ણપણે સારવારયોગ્ય રોગ છે. સમયસર તપાસ અને નિયમિત સારવારની સાથે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી અને ખુલ્લામાં થૂંકવાનું ટાળવું એ ટીબીના નિયંત્રણ માટે અત્યંત જરૂરી છે.
નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ ખુલ્લામાં થૂંકવાની આદતનો ત્યાગ કરી સ્વચ્છ વાતાવરણ જાળવવામાં સહભાગી બને અને પોતાના પરિવાર તેમજ સમાજને ટીબીના સંક્રમણથી સુરક્ષિત રાખે.
જો કોઈ વ્યક્તિને સતત બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ, તાવ, વજન ઘટવું અથવા રાત્રે વધુ પરસેવો આવવા જેવા લક્ષણો જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક તપાસ કરાવી જરૂરી સારવાર શરૂ કરવી.
ટીબી સંબંધિત વધુ માહિતી, માર્ગદર્શન અથવા સહાય માટે નિઃશુલ્ક ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1800-11-6666 પર સંપર્ક કરી શકાય છે.
“ખુલ્લામાં થૂંકવાની આદત છોડો, સ્વચ્છતા અપનાવો અને ટીબી-મુક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનો.”
