હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ વાલપુરા ગામમાંથી વહેતી અશ્વિની નદીના કોતરમાં અચાનક પાણીનું વહેણ વધી ગયું હતું. આ ધસમસતા પ્રવાહ વચ્ચે વાલપુરા ગામના જ રહેવાસી સતીશભાઈ કાંતિભાઈ ભીલ અશ્વિની નદીની કોતરમાં ફસાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સ્થિતિની ગંભીરતા સમજીને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમને તુરંત જાણ કરી હતી.
આ ઘટના અંગે વધુ માહિતી આપતા NDRFના અધિકારી બ્રિજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “હવામાન વિભાગની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને NDRFની ટીમ અગાઉથી જ છોટાઉદેપુર ખાતે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નસવાડીના વાલપુરા ગામની અશ્વિની નદીના કોતરમાં એક વ્યક્તિ ફસાયાનો મેસેજ મળતાં જ NDRFની ટીમ સમય ગુમાવ્યા વિના સ્થળ પર રેસ્ક્યૂ કામગીરી માટે પહોંચી ગઈ હતી.” અશ્વિની નદીના કોતરમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવા છતાં, NDRFની ટીમે અદ્યતન બોટ, OBM (આઉટબોર્ડ મોટર) અને લાઈફ જેકેટ નો ઉપયોગ કરીને અત્યંત સાહસપૂર્વક સતીશભાઈ કાંતિભાઈ ભીલ સુધી પહોંચીને તેમને પાણીના પ્રવાહમાંથી સહી-સલામત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર અને NDRFની આ ત્વરિત અને સમયસૂચક કામગીરીના કારણે એક કિંમતી માનવજીવ બચી ગયો છે.
