હિન્દ ન્યુઝ, ડાંગ
“આજના વિદ્યાર્થીઓને જો પ્રાકૃતિક ખેતી, પોષણ અને પર્યાવરણ પ્રત્યેની સમજ બાળપણથી જ આપવામાં આવે, તો આવતીકાલનો સમાજ વધુ સ્વસ્થ, આત્મનિર્ભર અને નિરોગી બનશે.” આ વિચારને સાકાર કરવા ડાંગ જિલ્લામાં સરકારી શાળાઓમાં કિચન ગાર્ડનનો સફળ પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને સંબંધિત વિભાગોના સંકલિત પ્રયાસોથી અનેક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાનો ઉપયોગ કરીને શાકભાજી, લીલા શાક, મરચાં, ટામેટાં, રીંગણ, ભીંડા, મેથી, પાલક, કોથમીર સહિત વિવિધ પાકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બીજ વાવવાથી લઈને પાણી આપવું, નિંદામણ કરવું, સજીવ ખાતર બનાવવું અને પાકની સંભાળ રાખવાનું કાર્ય જાતે કરે છે. પરિણામે બાળકોમાં મહેનત, જવાબદારી, પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને પ્રાકૃતિક ખેતી અંગે વ્યવહારુ જ્ઞાન વિકસ્યું છે.
કિચન ગાર્ડનમાં ઉગાડવામાં આવેલા તાજા અને પૌષ્ટિક શાકભાજીનો ઉપયોગ શાળાના મધ્યાહન ભોજનમાં કરવામાં આવતાં વિદ્યાર્થીઓને વધુ પોષણયુક્ત આહાર મળી રહ્યો છે. આ પહેલથી બજારમાંથી શાકભાજીની ખરીદીનો ખર્ચ પણ ઘટ્યો છે અને સ્થાનિક સ્તરે પોષણ સુરક્ષાને પ્રોત્સાહન મળ્યું છે.
ડાંગ જેવા આદિવાસી અને હરિયાળા જિલ્લામાં આ પહેલ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત રાખતી નથી, પરંતુ તેમને પ્રકૃતિ સાથે જોડીને જીવન કૌશલ્ય પણ શીખવે છે. બાળકો પોતાના ઘરે પણ નાનાં કિચન ગાર્ડન વિકસાવવા પરિવારજનોને પ્રેરિત કરી રહ્યા છે, જેના કારણે ગામડાઓમાં પોષણ અને જળ સંરક્ષણ અંગે જાગૃતિ વધી રહી છે.
જિલ્લા વહીવટીતંત્રનું માનવું છે કે કિચન ગાર્ડન માત્ર એક બગીચો નથી, પરંતુ “શીખતા શીખતા કમાવવું, ઉગાડવું અને સ્વસ્થ જીવન જીવવું” જેવી જીવનશૈલીનો પાઠ છે.
કલેક્ટર શ્રી એન.ડી.પરમાર, તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદીના માર્ગદર્શન, અને શાળા શિક્ષકોની આગેવાની હેઠળ ડાંગ જિલ્લાની શાળાઓમાં શરૂ થયેલી આ પહેલ આજે હરિયાળી, પોષણ, પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીના ઉત્તમ સમન્વયનું સફળ ઉદાહરણ બની છે. આ મોડેલ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.
“હરિયાળી શાળા : નિરોગી સમાજ” નો સંદેશ આપતી આ સફળતા ગાથા ભવિષ્યની પેઢીને સ્વસ્થ, સંવેદનશીલ અને પ્રકૃતિપ્રેમી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
