ભારે વરસાદ બાદ નવસારી જિલ્લામાં માર્ગ વ્યવસ્થા પૂર્વવત્ કરવા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની ઝડપી કામગીરી

હિન્દ ન્યુઝ, નવસારી

    નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હેઠળના અનેક રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. વરસાદની અસર ઓછી થતાં જ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નુકસાનગ્રસ્ત માર્ગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

    જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી કે. એમ. પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં અંદાજે 250 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે સલામતીના હેતુસર બંધ કરવામાં આવ્યા હતા. હાલ વરસાદની સ્થિતિ સામાન્ય બનતાં અને પાણી ઓસરતાં મોટાભાગના રસ્તાઓ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. આજની સ્થિતિએ માત્ર 9 જેટલા રસ્તાઓ જ ઓવરટોપિંગના કારણે બંધ છે.

      તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદ બંધ થતાં જ જિલ્લા પંચાયતની ટીમ દ્વારા તાલુકાવાર નુકસાનગ્રસ્ત રસ્તાઓની વિગતો મેળવી તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સર્વે દરમિયાન કુલ 188 રસ્તાઓને નુકસાન થયાનું નોંધાયું હતું. જેમાંથી પ્રાથમિકતા આધારે 150 જેટલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના રસ્તાઓ પર પણ ઝડપથી કામગીરી ચાલુ છે.

   જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ વ્યવસ્થા સંપૂર્ણપણે પૂર્વવત્ થાય અને નાગરિકોને અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત મોનિટરિંગ સાથે જરૂરી મરામત કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં જરૂર જણાશે ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને માર્ગોને સુરક્ષિત બનાવી વાહનવ્યવહાર સુચારૂ રાખવા માટે વિભાગ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

Related posts

Leave a Comment