હિન્દ ન્યુઝ, જામનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ અભિયાનથી પ્રેરણા લઈ ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લી. ની મુખ્ય કચેરીના નવનિર્મિત ‘સહકાર ભવન’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે લેવાયેલા વિવિધ ક્રાંતિકારી ઇનિશિયેટિવ્સ ગ્રામીણ સહકારી સેક્ટરને વધુ સક્ષમ અને સમૃદ્ધ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયા છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના દ્રષ્ટિબિંદુને સાકાર કરવામાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકનું આ નવનિર્મિત ‘સહકાર ભવન’ એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે.તેમણે બેંકના ચેરમેન શ્રી જીતુભાઈ લાલ અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે, આ આધુનિક ભવન માત્ર એક ઈમારત નથી પરંતુ સમગ્ર હાલર પંથકના ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ સમુદાયના આર્થિક ઉત્થાનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
