નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે ‘ગુરુ પૂર્ણિમા’ની કરાઈ ઉજવણી

હિન્દ ન્યુઝ, દાહોદ 

   દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે આચાર્યશ્રી ડૉ.બી.આર.બોદર અને વાઈસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે.પંચાલના માર્ગદર્શન હેઠળ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમનો આરંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આરંભે કૉલેજના આચાર્યશ્રી ડૉ.બી.આર.બોદરએ પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધીની શિક્ષણ પરંપરામાં જ્ઞાનનું પદ્ધતિસર સિંચન માટે ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. ગુરુના આચરણમાંથી વિદ્યાર્થીઓ પ્રામાણિકતા,પરિશ્રમ જેવા ગુણો કેળવવા જોઈએ. સમાજને જ્ઞાન વડે પ્રકાશિત કરવા ગુરુ-શિષ્યની પરંપરાનો સૌએ આદર કરવો જોઈએ. ટેક્નોલોજીના સમયમાં ગુરુનું જ્ઞાન મેળવી વિદ્યાર્થીએ આનંદ મેળવવો જોઈએ.ગુરુ જે સાચો માર્ગ બતાવે તે પર ચાલી સમાજ, રાષ્ટ્રને ઉજ્જવળ બનાવવા પ્રેરિત કર્યા હતા. 

‘ગુરુ પૂર્ણિમા’ની ઉજવણીમાં 15 વિદ્યાર્થીઓએ વક્તૃત્વસ્પર્ધા અને 13 વિદ્યાર્થીઓએ ચિત્રસ્પર્ધા મારફતે ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ આંકયુ હતું. વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ.મુકેશપુરી સ્વામી અને ડૉ.ધવલ જોશી તેમજ ચિત્રપર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. ઉત્તમ જાદવ અને ડૉ.વિશાલ રાબડિયાએ સેવા બજાવી હતી. બંને સ્પર્ધાઓનું પરિણામ ડૉ.ડી.બી.મુનિયાએ જાહેર કર્યું હતું. આ અવસરે સાંસ્કૃતિક સમિતિના કો ઓર્ડીનેટર પ્રા.જી.જી.સંગાડાએ ‘ગુરુ પૂર્ણિમા’ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓ આધ્યાત્મિક ક્ષેત્રે ગુરુનું મહત્વ કરતા શીખે તેમજ સદ્દગુરુના માર્ગદર્શન હેઠળ પોતાનું જીવન સાર્થક કરે એવી શુભેચ્છાઓ આપી હતી. સેલ્ફ ફાયનાન્સ વિભાગના કો ઓર્ડીનેટર ડૉ.ધવલ જોશીએ સૌ વિદ્યાર્થીઓને માતા પિતા,શિક્ષક,અતિથિને અપાયેલું ગુરુપદનું મહત્વ સમજાવ્યું હતું. 

આ કાર્યક્રમમાં કૉલેજના અધ્યાપકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ શોભાવ્યો હતો. આજના કાર્યક્રમનું સંચાલન ડૉ.એન.કે.મકવાણા અને આભારવિધિ ડૉ .મેઘના કંથારિયાએ કરી હતી.

Related posts

Leave a Comment