જલાલપોર તાલુકાના કરાંખટ ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષયક પર એક દિવસીય ખેડૂત શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, જલાલપોર

   નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર તથા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી નંદિબા પ્રાકૃતિક મોડલ ફાર્મ, કરાંખટ, જલાલપોર ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય રાહુલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણ સંરક્ષણ સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા તેમજ આત્મનિર્ભર ખેતી તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો.

શિબિર દરમિયાન નવસારી જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી પડાલિયાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ ટકાઉ કૃષિ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત બનાવવાની પદ્ધતિ તેમજ બાગાયતી પાકોમાં તેના અસરકારક ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે ગુણવત્તાયુક્ત ઉપજ પણ પ્રાપ્ત થાય છે.

બાગાયત અધિકારી શ્રીમતી નિક્ષિતાબેન પટેલે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી તેમજ ખેડૂતોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

શિબિરમાં નવસારી અને સુરત જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો વિપિનભાઈ નાયક (ખખવાડા), રોબિન પટેલ (બુટલાવ), શ્રીમતી સેજલ પટેલ (કુંભાર ફળિયા) તથા કાંતિભાઈ દાજીભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતીના સફળ અને વ્યવહારુ અનુભવો રજૂ કર્યા હતા. આ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂતોએ નંદિબા પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓનું જીવંત નિદર્શન નિહાળ્યું હતું. શિબિર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક અને વ્યવહારુ પદ્ધતિઓ અંગે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થતાં ઉપસ્થિત ખેડૂતોએ કાર્યક્રમને ખૂબ જ લાભદાયી ગણાવ્યો હતો. આ શિબિરમાં જલાલપોર તાલુકાના ભાઠા, માંગરોળ, નિમલાઈ, મરોલી, સીમળગામ, વડોલી, પરસોલી, પરુજણ સહિતના વિવિધ ગામોના ખેડૂત ભાઈ- બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment