હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લાભરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે.
તા. ૨૨ જુલાઈને બુધવારે સાંજે ૬ થી તા. ૨૩ જુલાઈને ગુરૂવારે સવારે ૬ સુધીના ૧૨ કલાકમાં રાત્રિ દરમિયાન સૌથી વધુ વરસાદ ૬૨૦ મી.મી.(૨૫ ઈંચ) વરસાદ ઉમરગામ તાલુકામાં પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ પારડી તાલુકામાં ૨૨૭ મી.મી. (૯ ઈંચ) નોંધાયો હતો. આજે દિવસે તા. ૨૩ જુલાઈને ગુરૂવારે સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં પણ સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં ૩૫૦ મી.મી. (૧૪ ઈંચ) ખાબક્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ વાપીમાં ૧૯૩ મી.મી. (૮ ઈંચ) નોંધાયો હતો.
વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગતો મુજબ, તા. ૨૨ જુલાઈના રોજ સાંજે ૬ થી તા. ૨૩ જુલાઈને સવારે ૬ સુધીના ૧૨ કલાક દરમિયાનના વરસાદની વિગત જોઈએ તો, વલસાડમાં ૧૫૩ મી.મી., ધરમપુરમાં ૩૮૨ મી.મી., પારડીમાં ૨૨૭ મી.મી., કપરાડામાં ૫૭૮ મી.મી., ઉમરગામમાં ૬૨૦ મી.મી., વાપીમાં ૨૯૦ મી.મી., અને નાનાપોંઢામાં ૫૦૯ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાનો સરેરાશ વરસાદ ૩૯૪.૧૪ મી.મી. નોંધાયો હતો.
ગુરૂવારે દિવસ દરમિયાન સવારે ૬ થી સાંજે ૪ સુધીના ૧૦ કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો, વલસાડમાં ૨૫૫ મી.મી., ધરમપુરમાં ૨૨૮ મી.મી., પારડીમાં ૨૮૫ મી.મી., કપરાડામાં ૨૧૧ મી.મી., ઉમરગામમાં ૩૫૦ મી.મી., વાપીમાં ૧૯૩ મી.મી. અને નાનાપોંઢામાં ૨૫૫ મી.મી. વરસાદ પડ્યો હતો. જિલ્લાનો સરેરાશે વરસાદ ૨૫૩.૮૬ મી.મી. નોંધાયો હતો.
સતત વરસી રહેલા વરસાદને પગલે શાળા, કોલેજો તેમજ આઈટીઆઈમાં ગુરૂવારે પણ રજા જાહેર કરવામાં આવી હતી. જો કે, તા. ૨૪ જુલાઈને શુક્રવારે પણ અતિ ભારે વરસાદની આગાહી હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શક્ય હોય તો ઓનલાઈનના માધ્યમથી શિક્ષણની જરૂરી વ્યવસ્થા કરી બાળકોનું શિક્ષણ ચાલુ રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.રાજેશ્રી એલ. ટંડેલ દ્વારા સૂચન કરાયુ છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
