હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવા તેમજ કેટલાક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી.
જોકે ડાંગ કલેક્ટર એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ, DGVCL તથા અન્ય સંબંધિત વિભાગોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી અસરગ્રસ્ત માર્ગોને ઝડપભેર ખુલ્લા કરવાની કવાયત હાથ ધરી છે.
દરમિયાન વઘઈ–આહવા માર્ગ પર વહેલી સવારે વૃક્ષ પડતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ તંત્ર સ્થળ પર દોડી ગયું અને તાત્કાલિક માર્ગ ખુલ્લો કરી વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તો આહવા–સાપુતારા (NH-953) માર્ગ પર અનેક સ્થળોએ વૃક્ષો પડવા તેમજ ભૂસ્ખલનની ઘટના બનતાં વૃક્ષો દૂર કરવાની અને માર્ગ સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
મહાલ–સુબીર–વરસા માર્ગ પર પણ ભૂસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓ બાદ માર્ગ ખુલ્લો કરવા માટે કામગીરી ચાલી રહી છે.
સાપુતારા સ્થિત વૈશાલી હોટલ નજીક વૃક્ષ તથા DGVCLનો એક હાઈટેન્શન (HT) વીજ થાંભલો ધરાશાયી થયો હતો. DGVCL સાપુતારાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી થાંભલાની સુરક્ષિત રીતે હેરફેર કરવામાં આવી અને માર્ગ પરથી અવરોધ દૂર કરવામાં આવ્યો છે.
મહાલ સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે બપોરે 11:20 કલાકની સ્થિતિ મુજબ પરિસ્થિતિ સામાન્ય છે. નજીકની નદી અને કોતરોમાં પાણીનું સ્તર નિયંત્રણમાં હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
આહવા–નવાપુર માર્ગના કિ.મી. 15/4 થી 15/6 વચ્ચે પણ માર્ગની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી જાળવણી તથા સલામતીની કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, સાવચેતી રાખવા તથા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ તા. 23 જુલાઈ 2026ના સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન જિલ્લામાં સરેરાશ 100.67 મી.મી. વરસાદ નોંધાયો છે. આહવામાં 85 મી.મી., વઘઈમાં 125 મી.મી. અને સુબીરમાં 92 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
