વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે આવી પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો

હિન્દ ન્યુઝ, વલસાડ 

   વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે જિલ્લા પ્રભારી મંત્રી તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વલસાડ આવી પહોંચ્યા હતા અને પૂર નિયંત્રણ કક્ષની મુલાકાત લઈ જિલ્લામાં ચાલી રહેલી રાહત, બચાવ અને સેવાકીય પ્રવૃતિની માહિતી મેળવી હતી. 

        આ મુલાકાત વેળા મંત્રીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ છે, મે મારા અત્યાર સુધીના જાહેર જીવનમાં પ્રથમવાર આટલો વરસાદ જોયો છે. આવા સંજોગોમાં આપણા જિલ્લામાં આવેલી નદીઓમાં પણ ઘોડાપૂર વહી રહ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની મદદથી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં અંદાજે ૫૦૦થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે. જિલ્લા વહીવટી તંત્ર એકદમ સજાગ છે. 

         મંત્રીશ્રી વધુમાં ઉમેર્યુ કે, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હજુ સાત થી આઠ કલાક સુધી પાણી ઉતરે એમ જણાતુ નથી. જેથી લોકોએ જ્યાં સલામત અને સુરક્ષિત જગ્યા મળે ત્યાં પહોંચી જવુ હિતાવહ છે. સરકાર આ બાબતે ચિંતિત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જિલ્લાની સમગ્ર સ્થિતિ પર નજર રાખી જરૂરી સૂચનો કરી રહ્યા છે. આ સિવાય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ પણ પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે આવી રહ્યા છે. આ સંઘર્ષની ઘડીમાં સૌ એ એકબીજાને સાથ સહકાર આપી મદદ કરી આ કુદરતી આપત્તિનો હિંમતભેર સામનો કરવાનો છે.  

Related posts

Leave a Comment