હિન્દ ન્યુઝ, અમદાવાદ
વન વિભાગની ટીમ સતર્ક અને સજ્જ તથા દીપડાની ઘનિષ્ઠ તપાસ ચાલુ
તા. 20/7/2026ના રોજ શરણ દીપ સોસાયટી, ઘુમામાં વહેલી સવારે દીપડો સીસીટીવીમાં કેદ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તથા આસપાસના વિસ્તારમાં રેકી કરવી, દીપડો પકડવા માટેના પાંજરા મૂકવા, વન વિભાગના વેટનરી ડૉક્ટર તથા રેસ્ક્યુઅરની ટીમ તેમજ 20થી વધુ ગાર્ડ/ફોરેસ્ટરની ટીમ તમામ સાધન સામગ્રી સાથે ત્યાં ઉપસ્થિત છે. DCF અમદાવાદ (નાયબ વન સંરક્ષક, અમદાવાદ)ની વિનંતી છે કે ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે, દીપડો સાંજે અને રાતના સમયે નીકળતો હોય તથા માનવ તેનો કુદરતી ખોરાક ન હોય, લોકો એ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવાની ચોક્કસ જરૂર છે.
વધુમાં ગઈકાલે રાત્રે “અમદાવાદના ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ કરવામાં આવેલ”નો વિડિયો વાયરલ થયો હતો, જે પણ અફવા હતી, અન્ય કોઈ રાજ્યનો ખૂબ જૂનો વિડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરવામાં આવ્યો હતો. આ પ્રકારની અફવાથી બચવા અને અફવાઓ ન ફેલાવવા પણ લોકોને વિનંતી કરવામાં આવી છે. માત્ર સત્તાવાર માહિતી જ ધ્યાને લેવા વિનંતી છે, તે અપીલ સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.
