હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માર્ગો પર પાણી ફરી વળવા, ઓવરટોપિંગ, કોઝવે ઉપરથી પાણી વહેવા, રેલવે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કુલ ૧૫૫ માર્ગો વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે.બંધ કરાયેલા માર્ગોમાં મુખ્યત્વે નવસારી તાલુકાના ૨૧ , જલાલપોર તાલુકાના ૧૭ , ગણદેવી તાલુકાના ૩૦ , ચીખલી તાલુકાના ૪૪ , ખેરગામ તાલુકાના ૧૪ અને વાંસદા તાલુકાના ૨૯ જેવા વિવિધ પંચાયતના મુખ્ય જિલ્લા માર્ગો તથા અન્ય ગ્રામ્ય માર્ગોનો સમાવેશ થાય છે.
બંધ કરાયેલા માર્ગોમાંથી કોઝવે પર ઓવરટોપિંગ (OT) થવાના કારણે ૧૫૩ માર્ગ બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત રેલવે અંડરપાસમાં પાણી ભરાવા (UPF)થી ૧ , વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ ન હોવા (NOR)થી ૧ માર્ગો પર વાહનવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગોને સતત પરિસ્થિતિ પર નજર રાખવા અને વરસાદનું પ્રમાણ ઘટતાં માર્ગોની સલામતીનું મૂલ્યાંકન કર્યા બાદ જ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, બંધ કરાયેલા માર્ગો પર અવરજવર કરવાનો પ્રયાસ ન કરે, બેરિકેડિંગ અને સૂચના પાટિયાંનું પાલન કરે તેમજ મુસાફરી પહેલાં માર્ગોની સ્થિતિ અંગે માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરે. ભારે વરસાદ દરમિયાન કોઝવે, રેલવે અંડરપાસ અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થવાનું ટાળવું તેમજ જરૂરિયાત સિવાયની મુસાફરી ન કરવી.
