ભુજ ખાતે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને રાજ્યસરકાર દ્વારા ટ્રાન્સમિશન અને કોરિડોરના વળતર મુદે ખેડૂતના હિતમાં લેવાયેલા નવા નિયમો અંગે આપી સમજ

હિન્દ ન્યુઝ, ભુજ

ભુજ ખાતે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છ જિલ્લાના ખેડૂતો સાથે પરિસંવાદ વિશેષમાં ટ્રાન્સમિશન લાઈનો નાખતી વખતે રાઈટ ઓફ વે કોરિડોર અને ટાવર આધારિત વિસ્તારની જમીનના વળતર સંબંધી અસરગ્રસ્તોને ન્યાય વળતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘડાયેલા નવા નિયમો તથા અદ્યતન માર્ગદર્શિકા અંગે ખાસ સમજ આપી હતી. રાજ્યસરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણયો લેતી હોવાનું જણાવીને વીજ લાઇન અને ટાવર મુદે ન્યાયી વળતર માટે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તથા શ્રમ કૌશલ્ય વિકાસ કાંતિલાલ અમૃતિયાએ સ્મૃતિવન ખાતેના પરિસંવાદમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અંગે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાન્સમિશન લાઈન તેમજ ટાવર ઉભા કરતી વખતે જમીન અને વૃક્ષોને થતા નુકસાનના વળતર અંગે નવી સંકલિત અદ્યતન માર્ગદર્શિકા રાજ્ય સરકારે અમલી કરી છે. જેમાં પારદર્શક અને ગતિશીલ નિર્ણયો લઈ શકાય તે માટે માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ધારિત જમીનની બજાર કિંમતના 200% એટલે કે બે ગણું વળતર જમીન અસરગ્રસ્ત કે ખેડૂતોને ચુકવાશે. આ ઉપરાંત દરેક બાજુ એક મીટરનું વધારાનું વિસ્તરણ પણ ધ્યાને લેવામાં આવશે. જયારે કોરીડોરના સંદર્ભમાં માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ધારિત જમીનની બજાર કિંમતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં 30 ટકા,શહેરી વિસ્તારમાં 45 ટકા તેમજ મહાનગરપાલિકાઓમાં 60 ટકા દરે ચુકવણી કરાશે. તે સાથે ફળાઉ ઝાડ તથા અન્ય વૃક્ષ તથા પાક સંબંધી નુકસાનમાં લાગુ કરેલા નિયમ મુજબ વળતર અપાશે.
આ સાથે પ્રભારીમંત્રીશ્રી ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો તત્કાલ ઉકેલવા તથા વરસાદ ખેંચાતા સર્જાયેલી ઘાસ-ચારાની તંગીને નિવારવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે સાસંદ વિનોદભાઈ ચાવડાએ ખેડૂતો સાથે સંવાદ કરતા કિસાનોના આર્થિક હિતમાં હંમેશા સરકાર કામ કરતી હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, જમીન અસરગ્રસ્તોને ન્યાયીક વળતર મળે તે બજારભાવ નક્કી કરવા રાજ્યસરકાર જિલ્લા કક્ષાએ ખાસ માર્કેટ રેટ કમિટીની રચના કરશે. આ કમિટીના ચેરમેનશ્રી જિલ્લા કલેકટર રહેશે તથા જમીન માલિકોવતી એક પ્રતિનિધિ તથા ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના એક પ્રતિનિધિ સભ્ય રહેશે. જરૂરિયાત હશે તો અન્ય બે વધારાના સભ્યો નીમી શકાશે. આ કમિટીમાં ત્રણ જમીન મૂલ્યાંનકારોની પણ નિમણૂંક કરાશે. જે પૈકી એકની નિમણૂંક જમીન માલિકો કરશે, એક કંપની દ્વારા અને એક જિલ્લા કલેક્ટર દ્વારા કરાશે. આ જમીન મૂલ્યાંનકારો દ્વારા અપાયેલા બજારભાવમાંથી નવા નિયમ મુજબ આખરી બજાર દર નક્કી કરવામાં આવશે અને તે મુજબ વળતર ચૂકવાશે.

પરિસંવાદ વિશેષમાં કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ વીજટાવર તથા કોરીડોરના વળતર મુદ્દે રાજ્ય સરકારના નવા પરિપત્ર અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને એડવાન્સમાં વળતર ચૂકવીને ત્યારબાદ જ કામગીરી કરાશે. આમ રાજ્યસરકારે ખેડૂતોના હિતની ચિંતા કરીને નિર્ણયો અમલી કર્યા છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, સર્વે ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મેં માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મીબેન ખેતાણી, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, આગેવાન ફલજીભાઈ ચોધરી, દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનશ્રીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment