હિન્દ ન્યુઝ, સુરત
નોર્થ ઈસ્ટ સુરત કન્સલ્ટન્ટ્સ એસોસિએશન (NESCA) દ્વારા પી.ટી. સાયન્સ કોલેજ, અથવાલાઇન્સ, સુરતના કોમ્પ્યુટર લેબ ખાતે “Artificial Intelligence in Healthcare” વિષય પર એક અત્યંત માહિતીસભર અને સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સુરતના 60થી વધુ કન્સલ્ટન્ટ ડોક્ટરોએ ઉત્સાહભેર ભાગ લઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધુનિક ઉપયોગો વિશે જાણકારી મેળવી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા બાળરોગ નિષ્ણાત તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના નિષ્ણાત ડૉ. પ્રશાંત કારિયાએ ખૂબ જ સરળ અને પ્રાયોગિક રીતે AIના વિવિધ પાસાઓ સમજાવ્યા હતા. તેમણે ડોક્ટરોને AI દ્વારા અસરકારક જાહેરાતો તૈયાર કરવી, સોશિયલ મીડિયા માટે આકર્ષક પોસ્ટ્સ બનાવવી, શોર્ટ પ્રમોશનલ વિડિયો તૈયાર કરવા, દર્દીઓના ડેટાનું સુવ્યવસ્થિત સંચાલન કરવા, ક્લિનિકલ ડોક્યુમેન્ટેશન સરળ બનાવવા તેમજ રોજિંદી પ્રેક્ટિસમાં AIનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ સમગ્ર વર્કશોપનું સફળ આયોજન કરવામાં પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉ. વિમલ વ્યાસ અને ડૉ. સંદીપ લાઠિયાનું વિશેષ યોગદાન રહ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં નેસકાના પ્રમુખ ડૉ. રેણુ ગોસાઈએ તમામ મહેમાનો અને ઉપસ્થિત ડોક્ટરોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે નેસકાના સેક્રેટરી ડૉ. રવીન્દ્ર કોરાટએ વક્તા, આયોજકો તથા ઉપસ્થિત તમામ ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો અભિનંદન સાથે આભાર માન્યો હતો.
આ વર્કશોપ દ્વારા ડોક્ટરોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડાઈ દર્દી સેવાને વધુ અસરકારક, ઝડપી અને ગુણવત્તાસભર બનાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે નવી દિશા અને પ્રેરણા મળી હતી.
