હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના પ્રતિનિધિમંડળે સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના પ્રતિનિધિમંડળે આજ રોજ સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. 

હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના અધ્યક્ષ વિનોદ ભયાનાના નેતૃત્વ હેઠળ સમિતિના સભ્ય શ્રીમતી શકુંતલા ખટક, લક્ષ્મણસિંહ યાદવ, ચંદેર પ્રકાશ સહિતના પ્રતિનિધિમંડળ તા. ૨૯ જૂનથી ૩ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્યના અભ્યાસ પ્રવાસે છે.

પ્રતિનિધિમંડળે આજ રોજ દેવળીયા સફારી પાર્કની મુલાકાત લઈ એશિયાટિક સિંહ સહિત ગીરના સમૃદ્ધ વન્યજીવનનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓએ ગીર અભ્યારણ્યના સંરક્ષણ, વન્યપ્રાણી વ્યવસ્થાપન, જૈવ વૈવિધ્યના જતન તેમજ ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

પ્રતિનિધિમંડળના સભ્યોએ દેવળીયા સફારી પાર્કની સુવ્યવસ્થિત કામગીરી, પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓ તેમજ ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના કરી હતી.

આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે ગીરના કુદરતી સૌંદર્યને મનભરીને માણ્યુ હતુ. અને ગીરના સંરક્ષણ તથા વ્યવસ્થાપન અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.

સાસણ ખાતે મદદનીશ વન સંરક્ષક (ACF) શ્રી દીપક ચૌધરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) શ્રી યશ ઉમરાણીયા તથા મેંદરડા મામલતદાર શ્રી નિલેશ વીસાણી એ પ્રતિનિધિમંડળનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

Related posts

Leave a Comment