હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા
પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) અંતર્ગત નોંધાયેલા ગરબાડા, લીમખેડા અને દેવગઢ બારિયા તાલુકાના ખેડૂતો માટે ICCOA દ્વારા તા. ૧ અને ૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દાહોદ ખાતે એક્સપોઝર મુલાકાત-સહ-ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ડૉ. બિસ્મન સાંગડા, વડા, KVK દાહોદ દ્વારા ખેડૂતોનું સ્વાગત કરી સજીવ ખેતી, કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને ટકાઉ કૃષિના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ નિષ્ણાત વક્તા જી. એમ. વાઘેલા દ્વારા સજીવ ખેતી, લીલા ખાતર (Green Manuring), જમીનની ઉર્વરતા, જૈવિક ઇનપુટ્સના ઉપયોગ તેમજ પાક વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
ત્યારબાદ ડૉ. યુ. સી. ગામિત દ્વારા ખેડૂતોને KVK દાહોદ ખાતે આવેલ વિવિધ પ્રદર્શન એકમો, પાક પ્રદર્શન પ્લોટ તથા અન્ય કૃષિ સંશોધન એકમોની સ્થળ મુલાકાત (Site Visit) કરાવવામાં આવી, જેમાં ખેડૂતોને પ્રાયોગિક જ્ઞાન અને આધુનિક સજીવ ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં ICCOA દાહોદની સમગ્ર પ્રોજેક્ટ ટીમ ઉપસ્થિત રહી હતી. ઉપરાંત ભાવદીપ વ્યાસ, ટીમ લીડર, ICCOA ગાંધીનગર તથા ગોવિંદ ઠાકોર, પ્રોજેક્ટ મેનેજર, ICCOA દ્વારા કાર્યક્રમનું સંકલન, માર્ગદર્શન અને સફળ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ગરબાડા, લીમખેડા અને દેવગઢ બારિયા તાલુકાના PKVY નોંધાયેલા ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં નિષ્ણાતોએ ખેડૂતોના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા અને સજીવ ખેતીના અસરકારક અમલીકરણ માટે પ્રેરણા પૂરી પાડી હતી.
