હિન્દ ન્યુઝ, વલસાડ
તા. ૨૧ જુનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ યોગનો મહત્તમ પ્રચાર પ્રસાર થઈ શકે તે માટે પ્રયત્નો કરી રહી છે જે અંતર્ગત વલસાડ જિલ્લા શાખા અને માહિતી કચેરી ના સંયુક્ત ઉપક્રમે યોગ વિશે જનજાગૃતિ આવે તે માટે ઝુંબેશ હાથ ધરાઈ છે. આ અંતર્ગત આજે સગર્ભા મહિલાઓમાં યોગના મહત્વ વિશે જાણકારી મેળવીશું.
વલસાડ આયુર્વેદ શાખાના સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.દિવ્યા સોલંકી (એમ.એસ) સ્ત્રી રોગ અને પ્રસુતિ તંત્ર નિષ્ણાંત જણાવે છે કે, યોગ એ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન યોગ ખૂબ ફાયદાકારક છે, પણ ડોક્ટરની સલાહ પછી જ શરૂ કરો. ખાસ કરીને પહેલા ત્રિમાસિક પછી અને છેલ્લા મહિનામાં સાવધાની રાખવી.
ગર્ભાવસ્થા દરમિયાન યોગ શરીરને કોમળ રાખવામાં મદદ કરે છે અને માતાઓને પ્રસુતિ માટે તૈયાર કરે છે. યોગ અને પ્રાણાયામ દ્વારા લેવાતો ઊંડો શ્વાસ સભાનપણે આરામ કરવાની તાલીમ આપે છે જે બાળકના જન્મ સમયની માંગને સંતોષે છે જેથી ડિલિવરીમાં થતી તકલીફોને નિવારી શકાય છે. સગર્ભાવસ્થામાં સવારની માંદગી, સ્વભાવમાં બદલાવ( mood swings),પગનો દુખાવો, પગની ઘૂંટીમાં સોજો અને કબજિયાત જેવી સામાન્ય શારીરિક તકલીફો થતી હોય છે જેને દૂર કરવામાં યોગ મહત્વનો ફાળો આપી શકે છે. આ ઉપરાંત યોગ આસનો સગર્ભા સ્ત્રીઓની ડિલિવરી પછી ઝડપથી સ્વસ્થ થવામાં પણ મદદરૂપ થાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન યોગથી માતા અને બાળક બંને સ્વસ્થ અને તનાવ મુક્ત રહે છે, તે પેલ્વિક સ્નાયુઓને મજબૂત બનાવવામાં, કમરના દુખાવામાં રાહત આપવામાં અને સામાન્ય પ્રસુતિ માટે શરીરને તૈયાર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. યોગ હાલના સમયમાં વધતી જતી સિઝેરિયન ડિલિવરીને ઘટાડવામાં પણ ઉપયોગી બની શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન યોગાસનો વિશે વિગતવાર માહિતી જાણીએ.
તમારો કયો મહિનો ચાલે છે તે મુજબ જ યોગ્ય પ્રિનેટલ પ્રશિક્ષકની સલાહ લઈ યોગ અને આસનો કરવા. દરરોજ 30 મિનિટની કસરત કરવી સલામત છે પરંતુ વ્યક્તિની સહનશક્તિના આધારે સમયગાળો ઓછો કે વધારી શકાતો હોય છે. હળવા વ્યાયામ જેમાં ઓછી તીવ્રતા હોય જેમ કે, એરોબિક્સ, ગાર્ડનિંગ વોકિંગ વગેરે પણ કરી શકાય છે પરંતુ વધુ પડતી કસરત અને વધારે પડતું ખેંચાળ મુશ્કેલીઓને નોતરી શકે છે જેથી એ બધાથી બચવું જોઈએ. વધુ પડતો થાક લાગે તેવા કોઈ પણ કાર્યો કરવા જોઈએ નહીં. આ ઉપરાંત દરેક ત્રિમાસિકમાં કરવામાં આવતા આસનો અને પ્રાણાયામમાં ફેરફાર થતો હોય છે જેથી નિષ્ણાંતની સલાહ લેવી ખૂબ અગત્યની છે
સગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી આસનો
(૧) આસનો – બદ્ધ કોણાસન – Butterfly Pose
કેવી રીતે: પગના તળિયા એકબીજા સાથે જોડી, ઘૂંટણ બાજુ નમાવો. પીઠ સીધી રાખો.
ફાયદો: પેઢુનો ભાગ ખુલે, પ્રસવમાં મદદરૂપ, પગની સોજા ઘટે.
(૨) માર્જારીઆસન – Cat-Cow Pose
કેવી રીતે: હાથ-ઘૂંટણ પર શરીરનું વજન રાખવું , શ્વાસ લેતા પીઠ નીચે, શ્વાસ છોડતા પીઠ ઉપર.
ફાયદો: કમરનો દુખાવો ઘટે, બાળકની પોઝિશન સુધરે.
(૩) તાડાસન – Mountain Pose
કેવી રીતે: સીધા ઊભા રહી, હાથ ઉપર લઈ શ્વાસ લો. દીવાલનો સહારો લઈ શકો.
ફાયદો: સંતુલન સુધરે, પગમાં લોહીનું પરિભ્રમણ વધે.
(૪) સેતુ બંધાસન – Bridge Pose સપોર્ટ સાથે
કેવી રીતે: પીઠ પર સૂઈ, ઘૂંટણ વાળી, પીઠ નીચે તકિયો મૂકી હળવેથી ઉપર ઉઠાવો
ફાયદો: પીઠને આરામ, તણાવ ઓછો થાય. નોંધ: 20 અઠવાડિયા પછી પીઠ પર લાંબુ ન સૂવું.
(૫) શવાસન બાજુ પર – Side-lying Relaxation
કેવી રીતે: ડાબી બાજુ સૂઈ, પગ વચ્ચે તકિયો રાખો.
ફાયદો: આરામ, બાળકને લોહીનો પ્રવાહ સારો મળે.
માતા અને બાળક બંને માટે ફાયદાકારક પ્રાણાયામ
(૧) અનુલોમ-વિલોમ: તણાવ ઘટાડે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે.
(૨) ભ્રામરી: મન શાંત કરે, ઊંઘ સારી આવે.
(૩) દીપ શ્વાસ Deep breathing: ઊંડા શ્વાસ લેવા અને છોડવા, ચિંતા ઓછી કરે.
(૪) યોગ નિંદ્રા : તણાવ અને ચિંતામાં ઘટાડો કરે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
ધ્યાન રાખવાની બાબતો:
– પેટ પર દબાણ આવે તેવા આસન ન કરવા: ધનુરાસન, પશ્ચિમોત્તાનાસન ટાળો
– સંતુલન બગડે તેવા આસન દીવાલના સહારે જ કરવા.
– વધુ પડતું ખેંચાણ, કૂદકા કે પેટ બળથી અંદર ખેંચવું નહીં.
– ગરમી, ચક્કર કે દુખાવો થાય તો તરત બંધ કરવું.
– હંમેશા ડોક્ટર અને પ્રમાણિત પ્રિનેટલ યોગ ટીચરની સલાહ લો.
કપડાં કેવા પહેરવા:
-સુતરાઉ, ઢીલા, મેટરનિટી લેગિંગ્સ કે સલવાર કુર્તા.
-પેટ પર દબાણ ન આવે તેવા.
-સારો સપોર્ટ આપતી સ્પોર્ટ બ્રા પહેરો.
