હિન્દ ન્યુઝ, વલસાડ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના સુશાસન નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં ‘‘પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા’’ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશ આઝાદ થયો ત્યારે ૩૫ થી ૩૬ કરોડની વસ્તી હતી, આજે ૧૪૦ કરોડ વસ્તી છે. ત્યારે તેની સુખાકારી અને કલ્યાણની જવાબદારી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સુપેરે નિભાવી રહ્યા છે. કોરોના કાળથી લઈને અત્યાર સુધી દેશની ૮૦ કરોડ જનતાને નિઃશુલ્ક અનાજ મળી રહ્યું છે. દેશનો દરેક નાગરિક સ્વસ્થ- તંદુરસ્ત જીવન જીવે તે માટે વડાપ્રધાનએ પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યુ છે. રાસાયણિક ખાતરના વપરાશને કારણે જમીન બંજર બની રહી છે, પાણી જમીનમાં નીચે ઊતરતું નથી. અળસિયા જોવા મળતા નથી. ત્યારે એક દેશી ગાય દ્વારા ખેડૂત ૧૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકે છે. આજે અહીં અનેક ખેડૂત બહેનોએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી પકવેલી તમામ ખેત પેદાશ વેચાઈ જાય છે. આપણા ગુજરાતની બહેનો શ્વેત ક્રાંતિ કરી આર્થિક રીતે પગભર બની છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સૌને પ્રાકૃતિક ખેતીનું આહવાન કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આ ખેતીથી ભારત નંબર વન બનશે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલે જણાવ્યું કે, ભારત કૃષિ પ્રધાન છે એ આપણું ગૌરવ છે, આપણો વારસો છે. જેને ગર્વ સાથે આગળ વધારવાનો છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી માટે ગામે ગામ જનસંપર્ક કરી રહ્યા છે. આપણે પણ આપણા પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરી પોતાની નાની મોટી જમીન પર પોતાના પરિવાર માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. તેનાથી દેશ સ્વસ્થ બનશે અને આપણા દેશની અર્થ વ્યવસ્થા પણ મજબૂત બનશે.
વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થયા તે અવસરની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, નરેન્દ્રભાઈ એ ગુજરાતનું સુકાન સાંભળ્યું ત્યારથી ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરી સોઈલ હેલ્થ કાર્ડ શરૂ કર્યા હતા જેનાથી ખેડૂતોની આવક વધવા લાગી હતી. ખેડૂતો માટે તેઓ હંમેશા ચિંતિત રહ્યા છે અને પીએમ બન્યા બાદ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. ખેડૂતોની આવક બમણી થાય તે માટે MSPનો ભાવ વધારો પણ તેમણે કર્યો હતો. લોકો તંદુરસ્ત જીવનશૈલી જીવી શકે તે માટે વડાપ્રધાનએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને આહવાન કરતા આપણું ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં નંબર વન બન્યું છે. જિલ્લામાં દોઢ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ જરૂરી છે.
વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં ૨૫ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આપણે સંકલ્પ કરીએ કે, આપણે ઘરે જે ભોજન લઈએ છે તે પ્રાકૃતિક ખેત પેદાશનું જ હોય. પ્રાકૃતિક ખેતી અપનાવી તંદુરસ્ત જીવન જીવવા માટે આપણે જાગૃત થઈએ એવો અનુરોધ તેમણે કર્યો હતો.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સરકારની ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવા આહવાન કરી વર્ષ ૨૦૪૭ સુધીમાં તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાની મુહિમ રાજ્યપાલ ચલાવી રહ્યા હોવાનું જણાવી સૌને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વડે પકવેલી શાકભાજી, અનાજ અને ફળ ખાવાથી બીમારી વધી રહી છે. તેનાથી દુર રહેવા માટે પ્રાકૃતિક ખેત પેદાશો તરફ વળવાનો સમય આવી ગયો છે. ખાવા માટે અનાજ જ જોઈએ છે અને તેના માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી પુણ્યનું કાર્ય કરી રહ્યા છે. વધુમાં ધારાસભ્યએ ખેડૂતોને વરસાદી પાણી રોકવા માટે અને રિચાર્જ કરવા સૂચન કર્યું હતું.
જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.એન.પટેલે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ સમજાવ્યું હતું. આ સિવાય ચોમાસા દરમિયાન થતી ડાંગરની ખેતીમાં બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બનાવવુ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા ખેડૂત મિત્રોને સમજાવ્યા હતા.
પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાના અનુભવ વર્ણવ્યા હતા અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.
મંત્રી સહિતના મહાનુભાવોએ પ્રાકૃતિક ખેત પેદાશના સ્ટોલ અને સરકારના વિવિધ વિભાગની યોજનાકીય માહિતીના સ્ટોલ મળી કુલ ૧૭ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે પારડી પાલિકા પ્રમુખ ચેતનભાઈ નાયકા, પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરસિયાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ કિસાન મોરચા પ્રમુખ રૂપેશભાઈ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વનરાજસિંહ પરમારે કર્યું હતું.
