હિન્દ ન્યુઝ, વલસાડ
સિકલસેલ રોગ વિશ્વના સૌથી સામાન્ય વારસાગત રક્તરોગોમાંનો એક છે, જેની સામે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે તા. ૧૯ જૂનના રોજ વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો હોવાથી અહીં સિકલ સેલ એનિમિયાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળે છે. વલસાડ જિલ્લામાં મે- ૨૦૨૬ સુધીમાં કુલ ૧૦,૦૯,૫૭૦ આદિવાસી વસ્તીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાં ૨,૬૬૫ સિકલ સેલ ડિસીઝના અને ૫૨,૭૭૨ સિકલ સેલ ટ્રેઈટના કેસો નોંધાયા છે.
સિકલસેલ એનિમિયા એક વારસાગત રક્તવિકાર છે, જેમાં લોહીના લાલ રક્તકણો દાતરડાના (સિકલ) આકારના બની જાય છે. આવા રક્તકણોનું આયુષ્ય ઓછું હોવાથી દર્દીમાં લોહીની ઉણપ, શારીરિક નબળાઈ તથા અન્ય આરોગ્ય સમસ્યાઓ સર્જાય છે. સિકલ સેલ એનીમીયામાં રક્તકણ અલ્પજીવી (૩૦ થી ૪૦ દિવસનું આયુષ્ય ધરાવતા) હોવાથી અને નવા રક્તકણ પૂરતા પ્રમાણ ન બનતા હોવાથી દર્દીમાં એનીમીયા એટલે કે લોહીની ઉણપ જોવા મળે છે. આમ, આકાર અને લક્ષણને ધ્યાનમાં લઈ આ સમસ્યાને સિકલ સેલ એનીમીયા નામ આપવામાં આવ્યું હતું.
સિકલસેલની સમસ્યા આદિવાસીઓમાં જ કેમ વધુ પ્રમાણમાં જોવા મળે છે તે અંગે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના સિકલસેલ કંટ્રોલ પ્રોગામના નોડલ ઓફિસરશ્રી ડો.મનોજ પટેલ જણાવે છે કે, એવું માનવામાં આવે છે કે, વર્ષો પહેલા જંગલોમાં રહેતા લોકોમાં મેલેરિયાને લીધે ઘણાના મૃત્યુ થતાં હતા. તે સમયે મેલેરિયાની સારવારની કોઈ દવા ન હતી, આવા સંજોગોમાં કુદરતના એક નિયમ મુજબ, આ મેલેરિયા રોગના જંતુઓ લોહીના લાલકણની અંદર સરખી અને સારી રીતે પોતાનું જીવન ચક્ર પ્રસ્થાપિત કરવામાં અસફળ રહે તે માટે કુદરતી રીતે આવા વિસ્તારોની અંદર રહેલા લોકોના લોહીના લાલકણમાં એક વિશિષ્ટ રૂપમાં પરિવર્તન જોવા મળ્યું કે, જેને લીધે મેલેરિયાના જંતુઓ આવા લાલકણ ધરાવતા વ્યક્તિઓની અંદર સહેલાઈથી પ્રસ્થાપિત ન થઈ શકે. આ કુદરતી પરિવર્તનને આપણે આજે સિકલસેલ વિકૃતિ કહીએ છીએ. આ પરિવર્તન રંગસુત્રમાં થયું હોય આ સમસ્યા વારસાગત બની છે. એટલા માટે જ સિકલસેલની સમસ્યા આદિવાસીઓમાં જોવા મળે છે. એટલા માટે ભારતમાં મેલેરીયાનું પ્રમાણ જે જે રાજ્યોમાં વધુ છે તેવા રાજ્યોના આદિવાસીઓમાં સિકલસેલનું પ્રમાણ પણ વધતે ઓછે અંશે જોવા મળે છે.
સિકલ સેલની તપાસ લગ્ન પહેલા કરાવવી ખુબ જ જરૂરી છે તે અંગે માહિતી આપતા ડો. મનોજ પટેલ વધુમાં જણાવે છે કે, સગાઈ પહેલા દરેક યુવક-યુવતીએ સિકલ સેલ તપાસ કરાવવી. જો બંને વાહક ન હોય તો કોઈ સાવચેતી લેવાની જરૂર નથી. જો બંનેમાંથી એક વાહક હોય તો સગાઈ કરવામાં કોઈ વાંધો નથી. જો બંને વાહક હોય તો લગ્નગ્રંથી થી જોડાવું જોઈએ નહી. લગ્ન પહેલા યુવક-યુવતીએ ગ્રહો અને જન્માક્ષરની સાથે સાથે ઉભય પક્ષે સિકલ સેલનો રીપોર્ટ મેળવવો જોઈએ. જો સિકલ સેલ વાહ્ક્વાળી બંને વ્યક્તિઓના લગ્ન થઈ ગયા હોય અથવા લગ્ન અનિવાર્ય હોય તો સગર્ભાવસ્થા દરમ્યાન પહેલા ત્રણ મહિનામાં વિશેષ તપાસ દ્વારા ગર્ભ નિદાન કરાવવું જરૂરી છે. જો પત્ની વાહક ન હોય તો કોઈ સાવચેતીની જરુર નથી. જો પત્ની વાહક હોય તો તેમના પતિનું સિકલ સેલ માટેનું પરીક્ષણ કરાવવું ખુબ જ જરૂરી છે. જો પતિ- પત્ની બંને વાહક હોય તો ગર્ભ નિદાન કરાવવું ખુબ જ હિતાવહ છે. જો કુટુંબ અથવા ઘરમાં એક બાળક સિકલ સેલ એનીમીયા ધરાવતું હોય અને માતા-પિતા તંદુરસ્ત બાળકની ઈચ્છા ધરાવતા હોય તો આનુવંશિક માર્ગદર્શન જરૂરી છે. જે આ જ્ઞાતિઓમાં સિક્સસેલ વાહ્કનું પ્રમાણ વધારે છે તેવી જ્ઞાતિના આગેવાનોએ આગળ આવી સિકલ સેલ પરીક્ષણ માટેની શિબિરનું આયોજન કરવું જરૂરી છે. શાળા, કોલેજ, પોલીટેકનીક, યુનિવર્સિટી વગેરેમાં સિકલ સેલ પરીક્ષણ અંગેનો, વાર્ષિક પ્રવૃત્તિનો એક ભાગ હોવો જોઈએ.
સિકલસેલની તપાસ અને નિદાન શહેરોમાં આવેલા લેબોરેટરીમાં તો શક્ય છે જ પરંતુ વલસાડ જિલ્લામાં છેવાડા ગામડાઓમાં આવેલા પ્રા.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર , સિવિલ હોસ્પિટલ, સરકારી તબીબી મહાવિદ્યાલય તથા બીજી સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ શક્ય છે. આ સિવાય HPLC (હાઈ-પર્ફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી) તપાસ સિવિલ હોસ્પિટલ વલસાડ અને વલસાડ રક્ત કેન્દ્ર ખાતે કરવામાં આવે છે, જેનાથી સિકલસેલ ટ્રેઈટ અને ડીસીઝ જાણી શકાય છે.
સિકલસેલના પ્રકાર સમજવા જરૂરી
સિકલસેલ ટ્રેઈટ એટલે માતા અથવા પિતા બેમાંથી કોઈ એકનું જ રંગસુત્ર ખામીયુક્ત હોવાથી ભાવિ બાળક તે રોગનું વહન કરે છે. તેના ભાવિ બાળકને પણ વારસામાં આ ખામીયુક્ત રંગસૂત્ર આપી શકે છે. તેમનામાં આ રોગના ખાસ લક્ષણો જોવા મળતા નથી અને તે સામાન્ય જીવન જીવી શકે છે, જ્યારે સિકલસેલ એનીમીયા ડિસીઝમાં માતા અને પિતા બંનેના રંગસુત્ર ખામીયુક્ત (સિકલ સેલ પ્રકૃતિનાં) હોય તો ભાવિ બાળક સિકલ સેલ એનીમીયા રોગનો શિકાર થઈ શકે છે. તેમના બાળકોમાં આવા ખામીયુક્ત જનીન આપે છે. આવા બાળકોમાં સિક્સ સેલ રોગના લક્ષણો જોવા મળે છે. તેઓના શરીરનો વિકાસ સામાન્ય બાળકો કરતાં ઉંમરના પ્રમાણમાં ઓછો હોય છે. તેમનું આયુષ્ય ટૂંકું હોય છે. વધુ પડતો શારીરિક શ્રમ કરી શકતા નથી.
સગર્ભા સ્ત્રીઓની રાખવાની કાળજી
(૧) સગર્ભા સ્ત્રીઓ એ સિકલ સેલ રોગની તપાસ અવશ્ય કરાવવી.
(૨) જો સગર્ભા સ્ત્રીની સિકલ સેલ તપાસ પોઝીટીવ જણાય તો તેના પતિની તપાસ પણ તાત્કાલિક કરાવવી.
(૩) અજ્ઞાત વશ પુરુષ અને સ્ત્રી બંને સિકલ સેલ પોઝેટીવ હોય અને લગ્ન થઈ ગયા હોય તો સગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભ શિશુનું નિદાન કરાવવું જોઈએ. જેથી કરીને આવનાર ભાવિ બાળક સિકલ સેલ રોગ ધરાવે છે કે નહી, તે ખબર પડે.
(૪) ગર્ભધાન નિદાનનાં શરૂઆતના ૮ થી ૧૨ અઠવાડિયામાં આ તપાસ થઈ શકે છે. જે માટે પ્રા.આ.કેન્દ્રો/ સા.આ.કેન્દ્રો /સરકારી હોસ્પિટલોનો સંપર્ક સાધવો.
(૫) સિકલ સેલ એનીમીયા વાળા બાળકને જન્મ આપનાર માતા પિતા અને દુરના સ્વજનોનું સિકલસેલ પરીક્ષણ કરાવવું જરૂરી છે.
સિકલ સેલ એનીમીયા કેવી રીતે અટકાવી શકાય ?
સિકલ સેલ અટકાવવાનો ઉપાય સરળ છે. દરેક વ્યક્તિએ આ રોગ વિશે સજાગ રહેવું જોઈએ અને પોતે અથવા પોતાના કુટુંબના સભ્યોની આ રોગ વિશેની તપાસ કરાવવી જોઈએ. જન્મ પછી, નવજાત શિશુની વહેલી તકે તપાસ કરાવવી. શાળા-કોલેજમાં પ્રવેશ પહેલા. સગાઈ, લગ્ન કે ગર્ભધારણ કરતા પહેલાં. ડ્રાઈવિંગ લાયસન્સ લેતા પહેલાં પણ સિકલસ સેલની તપાસ કરાવવી ખુબ જ જરૂરી છે.
મે -૨૦૨૬ અંતિત જિલ્લામાં તાલુકા વાઈઝ થયેલી સિકલસેલ સ્ક્રીનિંગ કામગીરી
ક્રમ તાલુકા વસ્તી કુલ આદિજાતિ વસ્તી સ્ક્રીનિંગ થયેલી વસ્તી ડીસીસ વાહક (ટ્રેઈટ)
૧ વલસાડ 439173 184470 160570 484 9571
૨ પારડી 180162 103736 97747 368 5197
૩ વાપી (મનપા) 340184 29341 28774 79 1032
૪ ઉમરગામ 338049 197252 189195 372 9683
૫ ધરમપુર 235110 230825 213935 602 11150
૬ નાનાપોંઢા 159903 128009 124792 425 7599
૭ કપરાડા 215630 215497 194557 335 8540
કુલ 1908211 1089130 1009570 2665 52772
