વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન બેઠક મળી

હિન્દ ન્યુઝ, વલસાડ 

      વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી, પ્રિ- મોન્સુન સહિત વિવિધ વિકાસ કામોની ચર્ચા કરી હતી. 

     પ્રભારી મંત્રીએ ચોમાસા દરમિયાન આમજનતાને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રમાણેનું આયોજન કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે, કુદરતી કાંસ પર દબાણ હોય તો તાત્કાલિક દૂર કરો જેથી પાણી ભરાવાની સમસ્યા દૂર થાય. ખાસ કરીને શાળાઓ ચાલુ હોય ત્યારે, ચોમાસા દરમિયાન બાળકોને ઘરે જવા મુશ્કેલી ન પડે તે માટે શાળાના શિક્ષકો, વાલીઓને પણ એલર્ટ કરે. જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય. 

    રસ્તાઓ અને વીજળી સંદર્ભે આદિજાતિ મંત્રીએ જણાવ્યું કે, ડુબાઉ નાળા હોય ત્યાં તકેદારીના બોર્ડ સાથે, હોમગાર્ડના જવાનોને પણ તૈનાત કરવામાં આવે. વીજળી વિભાગ કર્મચારીઓને તાલીમ આપે જેથી કોઈ ઘટના ન બને. 

   મંત્રીએ વિવિધ વિકાસના કામોની સમીક્ષા કરી, રસ્તાઓ, આવાસ, પંચાયત ઘર, આંગણવાડીના ચાલુ કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવા સૂચના હતી. સાથે અધિકારીઓને પદાધિકારીઓના સંકલનમાં રહી, સૌની સુખાકારી માટે સહિયારા પ્રયાસોથી જિલ્લાને વિકાસસભર બનાવવા આહવાન કર્યું હતું. 

    વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સિવિલ હોસ્પિટલ રૉડ પર ગટરલાઇનનું કામ સત્વરે પૂર્ણ કરવા સૂચન કરતાં મંત્રીએ તાકીદે કાર્યવાહી કરવા અમલીકરણ અધિકારીને સૂચના આપી હતી.

ધરમપુરનાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે શાળાએ આવતા બાળકોને મુશ્કેલી ન પડે તે માટે કરંજવેરી પૂલ પર મિનીબસ ચાલુ કરવા પણ સૂચન કર્યું હતું. સાથે વલસાડ- ધરમપુર રોડ પર વચ્ચેના ડીવાઈડરની કામગીરી ચોકસાઈપૂર્વક કરવા પણ જણાવ્યું હતું.

કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ચોમાસા દરમિયાન વીજળીની સમસ્યા ન સર્જાય તે માટે વીજ કંપનીના અધિકારીઓ- કર્મચારીઓ એલર્ટ રહીને કામગીરી કરે તેવો અનુરોધ કર્યો હતો.

     બેઠકમાં વિવિધ વિભાગોએ પ્રિ- મોન્સુન તૈયારી અને વિકાસના પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, વાપી મહાનગર પાલિકા પ્રમુખ શ્રીમતી દક્ષાબેન પટેલ, જિલ્લા ઈ/ચા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક લોકેશ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટરશ્રી મહિપાલસિંહ ચુડાસમા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.કલસરીયા અને જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment