છોટાઉદેપુર જિલ્લામાં પ્રી-મોન્સૂન સજ્જતા અંગે પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને પ્રી-મોન્સૂન કામગીરી, આરોગ્ય વિભાગની સજ્જતા અને પાણી પુરવઠાની વ્યવસ્થા અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેકટર કચેરીના વીસી ખંડ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરતા જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ અધિકારીઓએ પ્રત્યક્ષ ફિલ્ડમાં જઈ સ્થળ નિરીક્ષણ કરવું. મંત્રીશ્રીએ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચકાસણી કામગીરીને વધુ સઘન બનાવવા અને તંત્રને હાઈ-એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા જિલ્લાના સર્વગ્રાહી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ પ્રભારીમંત્રીને ખાતરી આપી હતી કે સંભવિત આફતોને પહોંચી વળવા માટેનો એક્શન પ્લાન સંપૂર્ણપણે તૈયાર છે. જિલ્લાના તમામ સંબંધિત કર્મચારીઓને આકસ્મિક ફરજોની સોંપણી કરી દેવામાં આવી છે અને આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા તમામ ટેકનિકલ સંસાધનોનું ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. પૂર કે અન્ય કુદરતી આપત્તિના સમયે નાગરિકો અને પશુધનના સુરક્ષિત સ્થળાંતર માટે આશ્રય સ્થાનો નિર્ધારિત કરી દેવાયા છે. કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ માટે નોડલ અધિકારીઓની નિમણૂક, મોક ડ્રિલનું આયોજન અને SDRFની ટીમના રોકાણ માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લામાં ૧૦ બોટ તૈનાત રાખવામાં આવી છે અને સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની મદદ માટે ‘લોકલ કોમ્યુનિટી ગ્રુપ’ને પણ સક્રિય કરી દેવાયા છે.

Related posts

Leave a Comment