હિન્દ ન્યુઝ, જામનગર
વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના – ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આગામી તા. ૩૧ મે સુધી નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકશે.
જે અંતર્ગત જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા અને નિવાસી અધિક કલેક્ટ એસ.એમ.કાથડે વસ્તી ગણતરી અંતર્ગત સ્વ ગણતરી પૂર્ણ કરી છે.
કલેક્ટરએ જામનગર જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરી છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે.
ભારત સરકાર દ્વારા આગામી સમયમાં વસ્તીગણતરી ૨૦૨૭ હાથ ધરવામાં આવનાર છે. તેના પ્રથમ તબકામાં ગુજરાતમાં તા.૧ થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા સરળ બને તે હેતુથી સરકારે તા.૧૭ થી તા.૩૧ મે સુધી સેલ્ફ એન્યુમેરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેના થકી નાગરિકો વસ્તી ગણતરીના અધિકારી ઘરે આવે તે પહેલા જ પોતાની અને પરિવારની વિગતોની ઓનલાઇન નોંધણી se.census.gov.in પોર્ટલ મારફતે કરાવી શકશે.
ઉલ્લેખનીય છે કે,સેલ્ફ-એન્યુમેરેશનની પ્રક્રિયા જેમાં પ્રાથમિક રજિસ્ટ્રેશન થશે, જેમાં નાગરિકોએ વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગઇન કરવાનું રહેશે. ત્યારબાદ પરિવારના વડાનું નામ અને ૧૦ આંકડાનો મોબાઈલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક પરિવાર માટે માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકાશે. પરિવારના વડાનું નામ પાછળથી બદલી શકાશે નહીં.
