હિન્દ ન્યુઝ, સુરત
સરકાર દ્વારા રાષ્ટ્રના ભાવી વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે ‘સ્વ વસતી ગણતરી – ૨૦૨૭’ ની પ્રક્રિયાને સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન તરીકે જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ અભિયાન અંતર્ગત સુરતના સાંસદશ્રી મુકેશભાઈ દલાલે અભિયાનના બીજા દિવસે જ પોતાના કાર્યાલય ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
આ અવસરે સાંસદશ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે, દેશવ્યાપી ડિજિટલ ‘સ્વ-ગણતરી અભિયાન’ અંતર્ગત તા.૧૭ થી ૩૧ મે-૨૦૨૬ દરમિયાન નાગરિકો માટે ‘સ્વ-ગણના’ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ આધુનિક પહેલ દ્વારા નાગરિકોને પોતાના ઘરે બેઠા જ ઓનલાઈન માધ્યમથી પરિવારની સાચી અને સંપૂર્ણ માહિતી નોંધવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વસ્તી ગણતરીના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અસરકારક આયોજન અને લોકકલ્યાણકારી યોજનાઓ ઘડવાનું કાર્ય કરે છે. તેથી દરેક નાગરિકોએ આ અભિયાનમાં સક્રિય સહભાગી બની સાચી માહિતી પૂરી પાડી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો.
