હિન્દ ન્યુઝ, સુરત
ગુજરાત રાજ્યના નર્સિંગ ક્ષેત્રમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિ અને પારદર્શક ભરતી પ્રક્રિયાને બિરદાવવા માટે નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન એસોસિએશને રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ કેડરમાં કરવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આરોગ્યની સાચી કરોડરજ્જુ સમાન નર્સિંગ અધિકારીઓ સાથે સંવાદ સાધતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફનું વર્તન એ ફરજ સાથે એક મનોવિજ્ઞાન પણ છે. જે વ્યક્તિ દર્દી કે સાથી કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કરે છે, તે તેના મૂળભૂત સ્વભાવનું પ્રતિબિંબ છે, જે તેના અંગત જીવન પર પણ અસર કરે છે. જેમ એક નાનકડા છોડને વારંવાર વાળીને યોગ્ય આકાર આપવામાં આવે છે, તેમ નર્સિંગના વિદ્યાર્થી કાળથી જ યોગ્ય ઘડતર થાય તે અનિવાર્ય છે.
