હિન્દ ન્યુઝ, બોટાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે લોકો મતદાન માટે જાગૃત બને તે માટે અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બોટાદ નગર શિક્ષણ સમિતિની તમામ શાળાઓ દ્વારા મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે દરેક શાળામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેર અને બોટાદ શાસનાધિકારી કિરણભાઈ પીપાવતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
દરેક શાળામાં શિક્ષકઓએ વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ વિશે સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે પોસ્ટર સ્પર્ધા, સૂત્રલેખન, નિબંધ લેખન, રેલી, રંગોળી સ્પર્ધા સાયકલ રેલી સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા “મતદાન કરો, દેશને મજબૂત બનાવો”, “તમારો મત, તમારો અધિકાર”, “જાગો મતદારો જાગો” સહિતના સૂત્રોના નારા સાથે નગરમાં રેલી અને સાયકલ રેલી યોજાઈ હતી. તેઓએ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈને લોકોને મતદાન કરવા માટે નાગરિકોને પ્રેરિત કર્યા હતા. ઉપરાંત, અમુક ચોક્કસ સ્થળોએ મતદાન કરવા અપીલ કરતું નાટક વિદ્યાર્થીઓએ ભજવ્યું હતું. સાથોસાથ તમામ શાળાઓમાં મતદાન, ચૂંટણી સહિતની તમામ બાબતોને આવરી લેતા વિદ્યાર્થીઓ રંગોળી, નિબંધ, પોસ્ટર થીમ, મહેંદી સ્પર્ધા, ચિત્ર સહિત મતદાન સંબધિત સૂત્રો નિર્માણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
