હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર જિલ્લાની ૨ નગરપાલિકા (કલોલ, દહેગામ), ગાંધીનગર જિલ્લા પંચાયત અને ૩ તાલુકા પંચાયત (કલોલ, માણસા, દહેગામ) ની સામાન્ય/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે (IAS) દ્વારા ચૂંટણી લક્ષી કાર્યાલયો અને મંડપ માટેના મુખ્ય નિયમો અંગેની ગાઈડ લાઈન સહિત હુકમ કરવામાં આવ્યો છે.
જે મુજબ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારનો મંડપ બાંધી શકશે નહીં. ૨૦૦ મીટરની બહાર માત્ર એક જ મંડપ બાંધી શકાશે.
મંડપમાં માત્ર એક ટેબલ અને બે ખુરશી રાખી શકાશે. તડકા કે વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ઉપયોગ કરી શકાશે, પરંતુ મંડપની ફરતે કંતાન કે કાપડની આડાશ (પડદા) લગાવી શકાશે નહીં.
મંડપ બાંધવા માટે સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી લેવી અને સંબંધિત ચૂંટણી અધિકારીને જાણ કરવી અનિવાર્ય રહેશે.
ચૂંટણી લક્ષી કાર્યાલયો કોઈપણ ધાર્મિક સ્થળ, શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલની બાજુમાં અથવા તેના કંપાઉન્ડમાં શરૂ કરી શકાશે નહીં.
ઉમેદવાર દ્વારા મતદારોને આપવામાં આવતી સ્લીપમાં ઉમેદવારનું નામ, પ્રતીક કે પક્ષનું નામ હોવું જોઈએ નહીં.
મતદાન કરીને આવનાર મતદારોને મંડપમાં એકત્ર થવા દેવામાં આવશે નહીં. મંડપના કાર્યકરોએ સુમેળભર્યું વાતાવરણ જાળવવું પડશે અને કોઈપણ મતદારને સ્લીપ લેતા અટકાવી શકાશે નહીં.
આ હુકમ ગાંધીનગર જિલ્લાના ચૂંટણી હેઠળના તમામ વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ સજા અને દંડને પાત્ર થશે.
