સ્થાનિક ચૂંટણીમાં વાહનોના ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી યોજાનાર છે, જે સમગ્ર પ્રક્રિયા તા. ૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભ્રષ્ટ આચરણ પર નિયંત્રણ લાવવા અને પારદર્શિતા જાળવવા માટે ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા જાહેરનામું બહાર પાડી વાહનોના ઉપયોગ પર પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ આદેશ અનુસાર, કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી વિના ચૂંટણીના કામે વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં અને પરવાનગી મેળવ્યા બાદ પણ વાહનના વિન્ડસ્ક્રીન પર અસલ પરમીટ ચોંટાડવી અનિવાર્ય રહેશે. ખાસ કરીને મતદાનના દિવસે ઉમેદવાર કે તેમના એજન્ટ દ્વારા મતદારોને મતદાન મથક સુધી લાવવા-લઈ જવા માટે ખાનગી કે ભાડે રાખેલા વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં, જો આમ કરવામાં આવશે તો તેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ભ્રષ્ટ આચરણ ગણવામાં આવશે. વધુમાં, પરવાનગી મેળવેલ વાહનમાં પણ ડ્રાઈવર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ જ સવાર થઈ શકશે. આ હુકમ ચૂંટણી પૂર્ણ થવા સુધી અમલી રહેશે અને જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે વિવિધ જોગવાઈઓ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

Leave a Comment