હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકભોગ્ય બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ મતદારો મતદાનની પદ્ધતિથી સરળતાથી માહિતગાર થઈ શકે તે માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, આદર્શ બસર, સુધીર બારડ તથા સુ. વિરલ માકડીયા દ્વારા શહેરના તમામ 1 થી 16 વોર્ડમાં EVM નિદર્શનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુ-સભ્ય મતદાન પદ્ધતિ હોવાથી મતદારોએ એક જ બેલેટ યુનિટ પરથી પોતાના મનપસંદ ચાર ઉમેદવારોને મત આપવાના હોય છે. આ પ્રક્રિયામાં મતદારોથી કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે નિદર્શન સ્થળો પર અધિકારીઓ દ્વારા ‘એક નહીં પણ ચાર વોટ’ આપવાની પદ્ધતિની જીવંત અને સરળ સમજૂતી આપવામાં આવી હતી.
શહેરના અલગ-અલગ વોર્ડમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો માટે આ નિદર્શન અત્યંત ઉપયોગી સાબિત થયું હતું. કલેક્ટર પી.બી. પંડ્યાએ આ તકે જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વમાં દરેક નાગરિકનો મત કિંમતી છે અને કોઈ પણ મતદાર જાગૃતિના અભાવે મતદાનથી વંચિત ન રહે અથવા પ્રક્રિયામાં ભૂલ ન કરે તે માટે તંત્ર કટિબદ્ધ છે. આ નિદર્શન પ્રક્રિયા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે જેથી મહત્તમ મતદાન સુનિશ્ચિત કરી શકાય. આ તકે ચૂંટણી શાખાના કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ હાજર રહીને મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા.
