ચૂંટણી દરમિયાન વાહનોના દુરઉપયોગ પર નિયમન કરવા બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ

           રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેનાં અનુસંધાને ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોતપોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુઃખ અને ધર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે. તેથી બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, 

(૧) કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો કે તેમનાં ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનમાં લાઉડ સ્પીકર વગાડવા માટે સબંધિત સક્ષમ અધિકારી પાસે વાહન રજીસ્ટર્ડ કરાવી, વાહનના ઉપયોગ અંગેની મંજુરી મેળવી સબંધિત સક્ષમ અધિકારી પાસેથી લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી/પરમીટ લેવાની રહેશે અને અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોડવાની રહેશે. કોઈપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ, ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. 

(૨) ગુજરાતના ચૂંટણી આયોગની માર્ગદર્શીકા મુજબ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ અમલમાં હોય તેવા આદેશોને આધીન વાહનોનો કાફલો દર પાંચ વાહન પછી છુટો પાડવાનો રહેશે (સુરક્ષા વાહનોને બાદ કરતા) આ વાહનો ના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરાળના બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનુ રહેશે ગૃહ વિભાગની માર્ગદર્શીકાનુ પાલન કરવાનુ રહેશે. 

(૩) રાજકીયપક્ષે/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોધવાની રહેશે. 

આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામુ બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment